Site icon Revoi.in

ગાંધીનગર ફાયર બ્રિગેડમાં કાયમી ભરતીમાં આઉટસોર્સથી કામ કરતાં કર્મચારીઓને સમાવવા માગ

Social Share

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ મહાનગરોના ફાયરબ્રિગેડ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. ગાંધીનગર  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ ફાયર બ્રિગેડ વિભાગમાં ક્લાર્ક, ફાયરમેન, સબ ફાયર ઓફિસર સહિતની જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ત્યારે ફાયર બ્રિગેડ વિભાગમાં વર્ષોથી કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કર્મચારીઓમાં સમાવેશ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડમાં આગામી સમયમાં કાયમી નવી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્લાર્ક, ફાયરમેન, સબ ફાયર ઓફિસર સહિતની જગ્યાઓ ભરવામાં આવશે. જેને લઇને હાલમાં ફાયર વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી હંગામી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે, કે,  ફાયર વિભાગમાં કાયમી ભરતીમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓને સ્થાન આપવું જોઈએ.

ગાંધીનગર ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા આઉટસોર્સ ફાયરમેન અને ડ્રાઇવરો દ્વાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અમે 80 જેટલા કર્મચારી વર્ષોથી ફાયર બ્રિગેડમાં નિષ્ઠાથી ફરજ બજાવીએ છીએ. વડાપ્રધાનનો બંદોબસ્ત હોય કે રાજ્યમાં પુરની સ્થિતિ હોય, કે પછી નર્મદા કેનાલમાં તરતા મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છીએ. તહેવાર દરમિયાન શહેર શાંતિની ઉજવણી કરી શકે તે માટે અને ખડે પગે ફરજ બજાવીએ છીએ. જ્યારે રાજ્ય ઉપર આવતી કુદરતી આફતોમાં અમે તેની સાથે ઉભા રહીએ છીએ. આ સ્થિતિ વચ્ચે મ્યુનિ. દ્વારા નવી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પહેલા હાલમાં આઉટસોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી નોકરી આપવા અમારી માંગ છે. જો અમને કાયમી નોકરી ના આપી શકાય તો અમને નોકરીના કરેલા વર્ષ બજાવેલી ફરજને ધ્યાનમાં રાખી ઉંમરમાં છુટછાટ આપવા અમારી માંગ છે.