પાકિસ્તાનથી પ્રેમીને પામવા આવેલી સીમા હૈદરીએ પ્રેમી સાથે લગ્ન કર્યાનો દાવો કરીને પરત જવાનો કર્યો ઈન્કાર
નવી દિલ્હીઃ પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી ચાર સંતાનો સાથે બે દેશની સીમા પાર કરીને ભારત આવેલી સીમા હૈદરી અને તેના પ્રેમી સચીનની પોલીસે ધરપકડ કરી હતી. ગ્રેડર નોઈડામાં ઘણા મહિનાથી બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. જામીન ઉપર મુક્ત થયા બાદ સીમાએ હવે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરીને ભારત સરકારને પ્રેમી સચિન સાથે રહેવા વિનંતી કરી છે. સીમાએ કહ્યું હતું કે, સચિન સાથે લગ્ન કર્યાં છે એટલે હવે હું ભારતીય છું અને હિન્દુ છું. પ્રથમ પતિને ઈસ્લામિક કાયદા પ્રમાણે છુટાછેટા આપ્યાં છે. મોબાઈલ ઉપર ગેમ રમતી વખતી પાકિસ્તાનની સીમા અને ભારતનો સચિન વચ્ચે પરિચય થયો હતો. તેમજ ધીમે-ધીમે તેમનામાં પ્રેમપ્રાંગર્યો હતો.
ભારતના સચિન મીના અને પાકિસ્તાનની સીમા હૈદર તેમના જીવનની નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. જામીન મળ્યા બાદ બંને વરસાદમાં ભીંજાઈને જેલમાંથી બહાર આવ્યા હતા. સીમાને તેના સાત વર્ષથી ઓછી ઉંમરના ચાર બાળકો સાથે નેપાળ મારફતે વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા બદલ 4 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, સચિનને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આશ્રય આપવા બદલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. હવે સીમાએ કહ્યું છે કે, મારા પતિ હિન્દુ છે, તો હું પણ હિન્દુ છું. મને લાગે છે કે હું હવે ભારતીય છું.
બંનેનો દાવો છે કે લોકડાઉન દરમિયાન બંનેએ PUBG ગેમ રમતી વખતે વાત કરી હતી. બંને પ્રેમમાં પડ્યા હતા. બે વર્ષ સુધી ફોન પર વાત કરી હતી. ત્યારબાદ બંને મળવા માટે નેપાળ પહોંચ્યા હતા. બંનેએ માર્ચ મહિનામાં પશુપતિ મંદિરમાં લગ્ન કર્યા હતા. આ પછી સીમા હૈદર પાકિસ્તાન પરત ફર્યા અને સચિન ગ્રેટર નોઈડામાં પોતાના ઘરે ગયો. આ પછી સીમા હૈદર મે મહિનામાં પાકિસ્તાનથી દુબઈ ગઈ હતી. ત્યાંથી નેપાળ પહોંચી હતી. જે બાદ ગુપ્ત રીતે બસ દ્વારા ગ્રેટર નોઈડા પહોંચી હતી. સીમાની સાથે તેમના ચાર બાળકો પણ પાકિસ્તાનથી આવ્યા હતા. સીમાના આ બીજા લગ્ન છે. સીમા અને સચિન હાલમાં જ એક વકીલને મળ્યા હતા. બંનેએ બાળકોને ભણાવવા માટે પેપર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વકીલે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. હવે તે જામીન પર બહાર છે.
સીમાએ જણાવ્યું કહ્યું કે, મને જ્યારે સવારે ખબર પડી કે મને જામીન મળી ગયા છે તો હું ખુશીથી ચીસો પાડી ઊઠી હતી. “હું હવે પાકિસ્તાની નથી, પણ ભારતીય છું. મારા પતિ હિન્દુ છે. હું પણ હિંદુ બની ગઈ છું. મને અહીં ઘણો પ્રેમ મળી રહ્યો છે. હું સરકારને હાથ જોડીને કહું છું કે, મારે અહીં જ રહેવું છે. મને સમાજના લોકોનો પણ ઘણો સપોર્ટ મળી રહ્યો છે.” સીમાએ વધુમાં કહ્યું, “મેં મારા પહેલા પતિને ઇસ્લામ ધર્મ અનુસાર છૂટાછેડા આપ્યા છે. હવે તેઓ ગમે તે કહે, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી. હું અત્યારે અહીં છું અને ભારતમાં જ રહીશ.
સીમાએ પાકિસ્તાનથી ભારત સુધીની તેની સફરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું કે બંને પહેલીવાર 10 માર્ચ 2023ના રોજ નેપાળમાં મળ્યા હતા. સચિનના કહેવા પર સીમા હૈદર પોતાના બાળકો સાથે પાકિસ્તાનથી ભારત પહોંચી હતી. સચિનના ઘરની આર્થિક તંગી પર સીમાએ કહ્યું કે તેનાથી મને કોઈ ફરક નથી પડતો. જેમ તેઓ જીવશે તેમ હું પણ જીવીશ. તેઓ જે ખાશે, હું પણ ત્યાં જ ખાઈશ.