અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી છે. મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ચાલુ વર્ષની શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સ્પર્ધાના આઠ અલગ અલગ શ્રેણીમાં વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી.તેમાં વારસા ગામ શ્રેણીમાં હાફેશ્વરનો સમાવેશ કરાયો છે.
નર્મદા કિનારે આવેલા કવાંટ તાલુકાનાં હાફેશ્વર ગામને 10 કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. 25 હજારથી ઓછી વસતિ ધરાવતા આ ગામમાં વારસા, કૃષિ સાહસ પ્રવાસન, હસ્તકળા, સહિતની કેટલીક પ્રવાસન પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સત્તાવાર યાદી મુજબ સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે આવેલા વાર્ષિક આશરે 1 લાખ પર્યટકોએ હાફેશ્વરની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશના ગામડાઓમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે,ગયા વર્ષે શ્રેષ્ઠ પર્યટન ગામોની સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી.