Site icon Revoi.in

સુરત શહેરના મેયર તરીકે હેમાલીબેન બોઘાવાલાની પસંદગી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. ભાજપ દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં મેયર, ડે.મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હોમ સુરતમાં મેયર તરીકે હેમાલીબેન બોઘાવાલાની પસંદગી કરવામાં આવી છે.

સુરતમાં મેયર અને ડે.મેયરની પસંદગીને લઈને શહેરીજનો આતુરદતાથી રાહ જોતા હતા. તેનો અંત આવ્યો છે. મેયર તરીકે હેમાલી બોઘાવાલા ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. પ્રથમ બોર્ડની બેઠક મહાપાલિકા દ્વારા પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. જેમાં પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષનાં નેતા બન્યા છે. સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. અમદાવાદ, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી ચૂકી હતી. સુરત, જામનગર અને રાજકોટ મનપાના હોદ્દેદારોના નામોની જાહેરાત બાકી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે.