Site icon Revoi.in

સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગૉલના એડવોકેટ તરીકે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની પસંદગી

Social Share

 

દિલ્હીઃ દેશમાં જાણીતું નામ તથા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીને યુનાઇટેડ નેશન્સે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એડવોકેટ તરીકે નિયુક્ત કર્યા છે. એસડીજી એડવોકેટ તરીકે, સત્યાર્થી હવે વર્ષ 2030 સુધીમાં યૂએનના ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવામાં મહત્વની  ભૂમિકા ભજવશે.

કૈલાશ સત્યાર્થી બાળ ગુલામીનો અંત લાવવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણના બાળકોના અધિકારો માટે વૈશ્વિક આંદોલનના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે પોતાનું સમગ્ર  જીવન બાળકો સામેની હિંસાને સમાપ્ત કરવા અને વિશ્વનું નિર્માણ કરવા માટે સમર્પિત કર્યું છે જ્યાં દરેક બાળકને મુક્ત, સ્વસ્થ, શિક્ષિત અને સલામત જીવનનો કુદરતી અધિકાર છે. તેમના યોગદાનને જોતા તેમને  હવે યૂએનમાં એસડીજી એડવોકેટ બનાવવામાં આવ્યા છે.

એસડીજી એડવોકેટ તરીકે કૈલાશ સત્યાર્થીની નિમણૂક એવા સમયે આવી છે જ્યારે એક તરફ આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી નાબૂદી વર્ષ ચાલી રહ્યું છે, તો બીજી તરફ સમગ્ર વિશ્વમાં બે દાયકામાં પ્રથમ વખત બાળ મજૂરીમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.  બાળ મજૂરોની સંખ્યા હવે વધીને 16 કરોડ થઈ ગઈ છે. જ્યારે આ પહેલા આ સંખ્યા 15 .2 કરોડ આસપાસ હતી.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એસડીજી એડવોકેટ તરીકે કૈલાશ સત્યાર્થીની નિમણૂક કરતા કહ્યું કે, “હું વિશ્વભરના બાળકોને અવાજ આપવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. હવે તે સમય આવી ગયો  છે કે આપણે સાથે મળીએ, સહયોગ કરીએ, ભાગીદારી બનાવીએ અને દરેકને ટેકો આપીએ. એસડીજી તરફ વૈશ્વિક કાર્યવાહીને વેગ આપવા એક બીજાનું સમર્થન કરીએ”

ઉલ્લેખનીય છે  કોવિડ -19 ની ખરાબ અસરોએ લાખો બાળકોને જોખમમાં મૂક્યા છે. યુનાઇટેડ નેશન્સે તેના ટકાઉ વિકાસ લક્ષ્યોના એજન્ડામાં 2025 સુધીમાં વિશ્વભરમાંથી બાળ મજૂરી નાબૂદ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં, 2025 સુધીમાં વિશ્વમાંથી બાળ મજૂરી સમાપ્ત કરવાના ઠરાવ પર મોટો પ્રશ્ન ભભો થાય છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2030 ટકાઉ વિકાસ લક્ષ્ય હાંસલ કરવા માટેની પ્રતિબદ્ધતા પણ પડકારજનક લાગે છે.

બાળ મજૂરી રોકવામાં સત્યાર્થીનો મોટો ફાળો

કૈલાશ સત્યાર્થી ચાર દાયકાથી વૈશ્વિક સ્તરે બાળકોના અધિકારો માટે લડી રહ્યા છે. તેમની સંસ્થા બચપન બચાવો આંદોલન દ્વારા તેમણે એક લાખથી વધુ બાળકોને બાળમજૂરી, ગુલામી, તસ્કરી અને અન્ય પ્રકારના શોષણમાંથી મુક્ત કર્યા છે. તેમના નેતૃત્વ હેઠળ, 1998 માં બાળ મજૂરી સામેની ઐતિહાસિક વૈશ્વિક કૂચ ‘ગ્લોબલ માર્ચ અગેઇન્સ્ટ ચાઇલ્ડ લેબર’ એ 103 દેશોમાંથી પસાર થઇને અપાર સમર્થન અને સહકાર મેળવ્યો હતો. આના પરિણામે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના આઈએલઓ સંમેલન 182 પસાર થયું જેથી બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપોને દૂર કરી શકાય