અમદાવાદઃ દેશમાં જુના વાહનો જે પ્રદૂષણની દ્વષ્ટીએ સૌથી વધુ જોખમી છે તેને રોડ પર દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ-પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે, એમાં ગુજરાત વાહનોના સ્ક્રેપીંગનું હબ બને તે માટે તેના વિશાળ દરીયા કિનારાનો ઉપયોગ કરવા માટે સૌરાષ્ટ્રના અલંગ અને કચ્છને સ્ક્રેપ-પાર્ક તરીકે વિકસાવવાનો સરકારે નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના અલંગમાં શીપ બ્રેકીંગ પાર્ક છે જેમાં વિશ્વભરના જહાજો ભાંગવા માટે આવે છે અને તેની સાથે અહી સ્ક્રેપનો ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. જિલ્લામાં અલંગના શીપના ભંગારને ઠેકાણે પાડવા માટે અનેક રોલીંગ મિલો આવેલી છે. ત્યારે જુના વાહનો માટે સ્ક્રેપ યાર્ડ બનાવવામાં આવે તો રોજગારીની વિશાળ તક પણ સર્જાઈ શકે તેમ છે, અલંગમાં સ્ક્રેપ પાર્ક બનાવવા માટે વધુ સરળતા છે, ઉપરાંત કચ્છમાં પણ વિશ્વમાંથી સ્ક્રેપની આયાત-નિકાસ થાય છે. એટલે ભાવનગરના અલંગ અને કચ્છમાં પણ જુના વાહનો માટે સ્ક્રેપ યાર્ડ બનાવાશે. કેન્દ્ર સરકારે જે નવી સ્ક્રીપ પોલીસીમાં વાહનોને સ્ક્રેપમાં નાખવા માટે જે પ્રોત્સાહનો નાણાકીય લાભ આપવા જઈ રહી છે તેમાં રાજય સરકાર ઉમેરો કરશે જેથી દેશભરમાં સ્ક્રેપ થવા માટે વાહનો ગુજરાત ભણી આવશે. રાજય સરકાર આ રીતે રોજગારી તથા વ્યાપાર-ધંધાની મોટી તક દેખાઈ રહી છે. અલંગ અને કચ્છમાં સ્ક્રેપ ઉદ્યોગ માટે જે જરૂરી સુવિધાઓ જોઈએ તે અગાઉથી મૌજૂદ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, દેશમાં માર્ગો પર 20 વર્ષ કે તેથી જુના વાહનો પણ દોડી રહ્યા છે જે પ્રદૂષણમાં વધારો કરે છે તે વધુ ઈંધણ વાપરે છે અને સલામતીની દ્રષ્ટીએ પણ જોખમી બની ગયા છે તેથી જ નવી સ્ક્રેપ પોલીસીમાં જુના વાહનો માન્ય સ્ક્રેપ સેન્ટર પર આવનારાને નવા વાહનની ખરીદી પર ખાસ ડીસ્કાઉન્ટ સહિતના લાભો ઓફર થશે. જેનાથી દેશના ઓટો ક્ષેત્રને મોટો ફાયદો થશે તો સમાંતર સ્ક્રેપ ઉદ્યોગ મજબૂત બનતા તેનું રીસાકયલીંગ કરીને જે મેળવાશે તે સસ્તા હશે. સ્ક્રેપ વાહનો માટે સર્ટીફાઈડ ઓફ ડિપોઝીટ અપાશે અને તે વાહનનો ચેસીસ, એન્જીન નંબરની નોંધણી રદ થશે. વાહનનો આરટીઓ નંબર પણ રદ થશે. નવા વાહન માટે રોડટેક્ષમાં 25 ટકા રાહત ઉપરાંત વ્યક્તિગતથી કોમર્શીયલ વાહનોમાં ખરીદીમાં ખાસ ડીસ્કાઉન્ટ વાઉચર મળશે અને સમગ્ર પ્રક્રિયામાં ગુજરાતની ભૂમિકા મોટી હશે.