અમદાવાદઃ ગુજરાતમાં આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર શહેરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોની નિમણુંક કરવામાં આવી હતી. જામનગર શહેરમાં મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્ણાબેન સોંઢાની પસંદરી કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મહિલાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
જામનગરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમીટિના ચેરમેન તરીકે નિલેશ કગથરા અને દંડક તરીકે કેતન નાખવાની વરણી કરાઇ છે. આ ઉપરાંત આશિષ જોષી બન્યા શાસક પક્ષના નેતા બન્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપનું શાસન છે અને અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા હોદ્દેદારોની નિમણુંકની કવાયત શરૂ કરવામાં આવી હતી.
જામનગરના નવા મેયરનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી ભાજપના મોવડી મંડળ માટે પસંદગી થોડી સરળ બની છે. ભાજપમાં અનામત બેઠક પરથી ચૂંટાયેલા ત્રણ કોર્પોરેટર પૈકી પક્ષના એક પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકાની 64 પૈકી 50 બેઠક પર ભાજપના કોર્પોરેટર જીતેલા છે. મેયર પદ પર વરણી કરાયેલા વિનોદ ખીમસૂર્યા પ્રથમ વખત જ કોર્પોરેટર બન્યા છે. નવા મેયર વિનોદ ખીમસૂર્યાએ જામનગર શહેરમાં વિકાસ કાર્યોને આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મનપામાં ભાજપનું શાસન છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને મેયર સહિતના હોદ્દેદારોની વરણી માટે કવાયત કરવામાં આવી હતી. લાંબી કસરત બાદ ભાજપ મવડી મંડળ દ્વારા નવા હોદ્દેદારોની પસંદગી કરાઈ છે.