આત્મનિર્ભર ભારતઃ સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ ‘વંદે ભારત’ ટ્રેન ગતિ મામલે ‘બુલેટ ટ્રેન’ને ટક્કર આપશે
નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત હેઠળ દેશમાં યુવાનો આધુનિક ટેકનોલોજીના આધારે નવી-નવી શોધ કરી રહ્યાં છે, દરમિયાન સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત ‘વંદે ભારત’ ટ્રેન બુલેટ ટ્રેનથી વધારે ઝડપથી દોડવા સક્ષમ હોવાનું જાણવા મળે છે. રેલવે બોર્ડના અધિકારીઓના મતે ‘બુલેટ ટ્રેન’ને શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપમાં 55.4 સેકન્ડનો સમય લાગે છે. જ્યારે ‘વંદે ભારત’ આ ઝડપ માત્ર 54 સેકન્ડમાં હાંસલ કરે છે. એટલું જ નહીં આગામી વર્ષોમાં વંદે ભારત ટ્રેન પ્રતિ કલાક 260 કિમીની ગતિએ દોડે તેની ઉપર કામગીરી કરવામાં આવી રહી છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘વંદે ભારત’ ટ્રેન એકદમ અપગ્રેડ છે. આ કારણે તેની સ્પીડ ઘણી સારી છે. આ ટ્રેન ઓટોમેટિક મોટરની મદદથી ચાલે છે. 16 કોચની ટ્રેનમાં પાંચ કોચમાં મોટર લગાવવામાં આવે છે. આ મોટર્સની મદદથી તેની ગતિ વધે છે, જ્યારે ‘બુલેટ ટ્રેન’ના આગળના ભાગમાં એક એન્જિન લગાવવામાં આવે છે. ‘બુલેટ ટ્રેન’ના એક એન્જિનની અપેક્ષા સામે ‘વંદે ભારત’ ટ્રેનમાં લાગેગી 20 મોટર વધારે અસરકારક છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘વંદે ભારત’ ટ્રેનની ગતિ અત્યારે 160 કિમી પ્રતિ કલાક છે. નવુ વર્જન 180 કિમી પ્રતિ કલાકની હશે. આ પ્રકારમાં 2025 સુધીમાં અપગ્રેડ વર્જનની આ ગતિ 260 કિમી પ્રતિ કલાક થઈ જશે. આમ ‘વંદે ભારત’ ટ્રેનનો દિલ્હીથી પટના સુધીનો પ્રવાસ માત્ર 4-5 કલાકમાં પૂર્ણ થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે.
હાલમાં ‘રાજધાની એક્સપ્રેસ’ને પણ દિલ્હીથી પટના પહોંચવામાં 12 કલાકથી વધુ સમય લાગે છે. રેલવે બોર્ડ દેશભરમાં 400 સેમી હાઈ સ્પીડ ‘વંદે ભારત’ ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે જાપાન, ફ્રાન્સ, ચીન, જર્મનીની માફક વીજ લાઈનો નાખવામાં આવી રહી છે.
હાલ ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ ટેનકોલોજી ક્ષેત્રે પણ ભારત અન્ય વિકશિત દેશોને ટક્કર આપવા માટે કમર કસી રહ્યું છે.