રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર, સોનાચાંદીની ખરીદીમાં લાગી બ્રેક
- વૈશ્વિક સ્તર પર ક્રૂડ અને ધાતુના ભાવમાં તોતિંગ વધારો
- મોંઘવારી ઇમિટેશન બજાર સુધી આવી પહોંચી
- ઇમિટેશન માર્કેટમાં ફરી વખત લાગ્યું ગ્રહણ
રાજકોટ: હાલ એક તરફથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિવિકટ બની છે. બંને દેશ વચ્ચે ક્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે તે કહેવું મુશ્કેલ છે. તો બીજી તરફ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તર પર ક્રૂડ અને ધાતુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે લાગેલી યુદ્ધની જ્વાળાઓ મોંઘવારીના સ્વરૂપે રાજકોટના ઇમિટેશન બજાર સુધી આવી પહોંચી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટની સોની બજારમાં બનેલા દાગીના અને સામાકાંઠે બનતા ઇમીટેશનના દાગીના ભારતભરમાં પ્રખ્યાત છે. ત્યારે કોરોનાની બીજી લહેર બાદ માંડ ઇમીટેશન માર્કેટમાં ખરીદીનો પવન ફૂંકાયો હતો. જેને જાણે કે કોઈની નજર લાગી હોય તેમ રશિયા અને યુક્રેન યુદ્ધ ના લબકારા વચ્ચે ફરી એક વખત ગ્રહણ લાગ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેન રશિયા વચ્ચે જે યુદ્ધની આગ લાગી છે તેનાથી વિશ્વના અનેક દેશોને દાઝવાનું થયું છે. મોટાભાગના દેશોના શેરબજારમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે અને વેપારને પણ મોટી સંખ્યામાં અસર જોવા મળી છે.