દાદરા નગર હવેલીઃ નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી અકાદમીમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
અમદાવાદઃ દાદરા નગર હવેલીના મોટા રાંધા ગામમાં જ્ઞાનદાયીની શ્રી સરસ્વતી માતા તેમજ ભારત માતાના આર્શીવાદથી નૂતન શૈક્ષણિક વર્ષ જૂન 2023થી વિદ્યાભારતી, ગુજરાત પ્રવેધ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી અકાદમીનો પ્રારંભ થયો છે. સંપૂર્ણ સમાજના સહયોગથી પ્રથમ ચરણમાં નિર્માણ પામેલ સૈનિક સ્કૂલના નવી ભવન તેમજ રમતગમતના સંકુલનું વાસ્તુ પૂજન તાજેતરમાં યોજાયું હતું. જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી અકાદમી મેનેજમેન્ટ કમિટીના સભ્યો, આર.એસ.એસના સેલવાસ, વાપી અને વલસાડ સહિતના પ્રતિનિધિઓ તેમજ રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ ભવનમાં તા. 20મી જૂનના અષાઢી બીજના રોજ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. 12 રાજ્યમાંથી 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે જે સૈનિકી શિક્ષણ પ્રાપ્ત કરશે. મણિપુર અને ત્રિપુરા જેવા અંતરીયાળ રાજ્યમાંથી પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ વિદ્યાલયના પ્રિન્સીપાલ તરીકે કર્નલ ધનુષભંજન પાઠક અને વાઈસ પ્રિન્સીપાલ તરીકે કેપ્ટન ગજેન્દ્રસિંહ જવાબદારી નિભાવશે. આ સૈનિક સ્કુલ કેન્દ્રીય સૈનિક સ્કુલ બોર્ડ સાથે એફીલેટેડ છે કેન્દ્રશાસિત પ્રદેશમાં આ પ્રથમ સૈનિક સ્કૂલ છે.