Site icon Revoi.in

પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ 17મી ઓકટોબરથી થશે. અને તા. 25મી ઓકટોબર સુધી પરીક્ષાઓ ચાલશે. ધોરણ 3થી 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં જ ઉત્તર લખવાના રહેશે. જ્યારે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓને અલગથી ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબો લખવાના રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ડાયેટ દ્વારા તૈયાર કરાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહીઓનું મુલ્યાંકન શાળાઓ દ્વારા જ કરાશે, અને પરિણામ તૈયાર કરાશે. તેમજ ત્યારબાદ 21 દિવસના દિવાળીના વેકેશનનો પ્રારંભ ધનતેરસના દિનથી થશે.

રાજ્યમાં પ્રાથમિક શાળાના ધોરણ 3થી 8 વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. જેમાં 17મી ઓકટોબરથી 25મી ઓકટોબર સુધી 9 દિવસ દરમિયાન વિવિધ વિષયોની પરીક્ષાઓ લેવાશે. ધોરણ 3થી 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં જ ઉત્તર લખવાના રહેશે. જ્યારે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓએ અલગથી ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. ત્યારબાદ સંભવત્ ધનતેરશથી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે 9મી સપ્ટેમ્બરે તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાના કાર્યક્રમની સૂચના આપી હતી, જેમાં જણાવાયું હતું કે, તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ પ્રથમ સત્રાંત પરીક્ષા 17થી 25 ઓકટોબર દરમિયાન યોજવાની રહેશે.

રાજ્ય કક્ષાએથી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કસોટી પત્રો તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓને અપાશે. કસોટીપત્રોમાં જૂનથી ઓકટોબર દરમિયાનનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલા માળખા મુજબ શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે. બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખાના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલા સમયપત્રક મુજબ યોજી શકશે. ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરવાની રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  ધોરણ 9થી 12ની પ્રથમ કસોટી નવરાત્રિ પછી 14મી ઓકટોબરથી પરીક્ષા શરૂ થઈ જશે અને 25મી ઓકટોબર સુધી ચાલશે.