અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) અને ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ મહિલા અધિકાર અને તેમને લગતાં કાયદાથી વાકેફ થાય તે હેતુસર, “લિગલ અવેરનેસ ફોર વુમન રીલેટેડ લૉ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 પ્રતિસ્પર્ધીઓ ઓફલાઈન અને 2700થી વધુ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતાં.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અધ્યક્ષ સ્થાને હાજર રહીને કાર્યક્રમને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશની નારી દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બની છે. મહિલાઓને મળેલા મૂળભૂત હકો અને કાયદાઓ સ્ત્રી સશક્તિકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. મુખ્ય મહેમાન સ્થાને વુમન ડેવલોપમેન્ટ કમિશનના ચેરપર્સન લિલાબેન અંકોલિયા , સીવિલ એન્ડ સેશન કોર્ટના પૂર્વ ન્યાયધીશ ડૉ. જ્યોત્સનાબેન યાજ્ઞિક , એસીપી મીની જોસેફ , કેન્દ્ર સરકારના મહિલા આયોગના સભ્ય અને સ્ત્રી ચેતનાના પ્રમુખ શ્રીમતી શૈલજા અંધારે તેમજ જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમને સંબોધતાં મીની જોસેફે જણાવ્યું હતું કે, દેશમાં મહિલા સશક્તિકરણ અને તેના હક સંબઘિત અનેક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દરેક મહિલાઓએ આ કાયદાથી વાકેફ થવું જોઈએ. વિદ્યાર્થિનીઓના ઘરેલું હિંસા સંબધીત પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં તેમણે અભયમ વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્પ લાઈન તેમજ મહિલાને મળેલાં વિવિધ અધિકારો સંબધિત ચર્ચા કરી હતી. પૂર્વ ન્યાયધીશ ડૉ. જ્યોત્સનાબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ભારતીય મહિલા બહુમુખી પ્રતિભા ધરાવે છે. યોગ્ય માધ્યમ મળી રહે તો, દરેક ક્ષેત્રમાં મહિલાઓ પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ઘરેલું હિંસા , મૂળભૂત અધિકારોથી વંચિત અને કાયદાકીય જાગૃકત્તાના અભાવને કારણોસર કેટલાક અંશે મહિલાને પારિવારિક કે સામાજીક ઘટનાનો ભોગ બનવાનો વારો આવે છે. સામાજીક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સરકારએ પણ મહિલા સંબધિત અનેક કાયદા લાગૂ કર્યા છે. જેની વિસ્તૃત માહિતી મહિલા આયોગમાંથી વિનામૂલ્યે મેળવી શકાય છે. કાર્યક્રમના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવશ્રીએ જીટીયુ વુમન ડેવલોપમેન્ટ સેલના ચેરપર્સન ડૉ. કોમલ બોરીસાગર અને કો- ઓર્ડિનેટર્સ ડૉ. શ્વેતા બાંબુવાલા તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.