Site icon Revoi.in

ભાજપના સિનિયર નેતા અડવાણીની તબિયત લથડી, AIIMS માં દાખલ કરાયાં

Social Share

નવી દિલ્હીઃ બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મોડી રાત્રે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધાવસ્થા સંબંધિત કેટલીક તકલીફોને પગલે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSના અધિકારીઓએ જણાવ્યું હતું કે નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. 96 વર્ષીય નેતાને AIIMSના જેરિયાટ્રિક વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

લાલ કૃષ્ણ અડવાણીએ જૂન 2002 થી મે 2004 સુધી ભારતના નાયબ પ્રધાનમંત્રી અને ઓક્ટોબર 1999 થી મે 2004 સુધી કેન્દ્રીય ગૃહમંત્રી  તરીકે સેવા આપી હતી. તેઓ 1986 થી 1990, 1993 થી 1998 અને 2004 થી 2005 સુધી અનેક વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા, તેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 30 માર્ચે તેમના નિવાસસ્થાને જઈને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણીના પરિવારના સભ્યોએ ઔપચારિક સમારોહમાં હાજરી આપી હતી.