નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી હતી. તેમણે ઇસ્લામિક દેશો સુધી પહોંચવા બદલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પણ પ્રશંસા કરી હતી. થરૂરના જણાવ્યા અનુસાર, મોદી સરકારના શાસનમાં ઇસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો સુધર્યા છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકારની વિદેશ નીતિની પણ પ્રશંસા કરી છે.
તિરુવનંતપુરમના સાંસદ કોંગ્રેસ સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. એક કાર્યક્રમ દરમિયાન થરૂરે કહ્યું હતું કે, “હું વિદેશ નીતિ પર મોદી શાસનની ટીકા કરતો હતો, પરંતુ મને લાગે છે કે તેઓએ તમામ મોરચે સારું પ્રદર્શન કર્યું છે.”
તેમણે કહ્યું, ‘મને યાદ છે કે પીએમ મોદીના પ્રથમ વર્ષમાં તેમણે 27 દેશોની મુલાકાત લીધી હતી, જેમાં એક પણ મુસ્લિમ દેશ નહોતો. જ્યારે હું કોંગ્રેસનો સાંસદ હતો ત્યારે મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ હવે મને એ કહેતા આનંદ થાય છે કે તેઓએ ઇસ્લામિક દેશો સુધી પહોંચવા માટે જે કર્યું છે તે અદ્ભુત છે. મોટા મુસ્લિમ દેશો સાથે આપણા સંબંધો ક્યારેય એટલા સારા નથી રહ્યા. હું ખુશીથી મારી અગાઉની ટીકા પાછી ખેંચું છું.
આ દરમિયાન કોંગ્રેસ નેતાએ જી-20ને લઈને પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કામની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, ‘ભારતે આ તકનો ખૂબ જ સારી રીતે લાભ લીધો છે અને ભારતની વિશેષ હાજરી નોંધાવી છે. હવે વિશ્વ ભારતને અવગણી શકે નહીં. પીએમ મોદીની વિદેશ નીતિ પહેલા કરતા સારી બની છે.