1. Home
  2. ગુજરાતી
  3. માનવજીવનનું સંવેદનાસભર…હકાર સભર અનુભવામૃત “માણસાઈ ની થાપણ”
માનવજીવનનું સંવેદનાસભર…હકાર સભર અનુભવામૃત “માણસાઈ ની થાપણ”

માનવજીવનનું સંવેદનાસભર…હકાર સભર અનુભવામૃત “માણસાઈ ની થાપણ”

0
Social Share

લેખક : સુધા મૂર્તિ

અનુવાદ : જેલમ હાર્દિક

~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

હાલના સમય સંજોગોમાં થાપણ એટલે કે આર્થિક મૂડીવાદી સમાજની ચારેકોર બોલબાલા છે અને એ એકદમ સહજ છે આપણી પાસે કઈ હોય તો આપણે વહેંચી ને એનો આત્માનંદ લઈ શકીએ ! આપણાં દેશના પ્રતિષ્ઠિત સમાજસેવીકા સુધા મૂર્તિ આ વાતમાં એમના “માણસાઈની થાપણ” પુસ્તક સાથે નોખી ભાત પાડે છે ! આપણે સૌ જાણીએ છીએ તેમ સુધા મૂર્તિ એ ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરમેન પદે રહીને સમગ્ર દેશમાં વિશ્વમાં માનવસેવાની મહેક ચારેકોર પ્રસરાવી છે એની પ્રસન્નતા અને ગૌરવ દેશવાસીઓને હૈયે હોય જ ! ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરમેનની સાથે સાથે સુધાજી એક શ્રેષ્ઠ શિક્ષક ,શ્રેષ્ઠ લખીકા અને વક્તા પણ છે એમની નવલકથાઓ , પ્રવાસ કથાઓ , વાર્તા સંગ્રહો અને ઉપયોગી માહિતી સભર લેખો આજે પણ યુવાહૃદયોને પરિવર્તન કરવાનું ભગીરથ કામ કરી રહ્યા છે ! એમનું એક અદભૂત પુસ્તક “માણસાઈની થાપણ” વાંચવાનો ગમતીલો અવસર મળ્યો ! એકદમ આકર્ષક બુકકવરની બાંધણી વચ્ચે માણસાઈના દિવામાં આતમ ને અજવાળતું આ પુસ્તક આપણાં હૃદયને સ્પર્શે એવું છે ! પુસ્તકના પાને પાને સુધાજી એ આપણાં જીવનને હકારથી છલોછલ કરી દે એવો અનુભવોત્સવ કર્યો છે ! પુસ્તક ગુજરાતી બેસ્ટ સેલર બની ચૂક્યું છે ૧૧,૦૦૦ નકલો વહેંચાઈ ચુકી છે ! આપણે આપણાં ક્ષેત્રમાં ગમ્મે તેવી સિદ્ધિ હાંસલ કરીએ  પણ બધા ઉપર પણ આપણું “માણસ” હોવું અને બની રહેવું એ અઘરું પણ એકદમ અનિવાર્ય છે ! તો જ જીવન જીવવું સાર્થક ગણાય ! એપ્રિલ ૨૦૧૩ માં આ પુસ્તક આપણી વચ્ચે જીવંત થયું ! સુધાજી પુસ્તકના આરંભે જણાવે છે. “કદાચ કોઈને નવાઈ લાગશે કે જેમણે મારી પાસે એમનું હૈયું ઠાલવી નાખ્યું, મોકળા મનથી એમના અંગત પ્રશ્નો મારી સાથે વહેંચ્યાં એમના પ્રશ્નો અને જીવન પ્રત્યે એમની દ્રષ્ટી હું તમારા સૌ સામે મૂકી શકી છું એ માત્ર એમની હિંમતને ઉદરતાને આભારી છે. એક શિક્ષક ,લેખક અને સામાજિક કાર્યકર તરીકે મારા અનુભવોનું આ ચોથું પુસ્તક છે..!!” આપણને રોજબરોજના વર્ષે વર્ષોના અનેક અનુભવો થતા જ હોય છે પણ અનુભવોમાંથી અમૃત શોધીને દુનિયા ને આજીવન માર્ગદર્શન કરી શકે એ રીતે વાર્તા અને લેખ સ્વરૂપે મૂકવું એ ખૂબ વિરલ અને ક્રિએટિવ વાત કહેવાય ! સુધાજીનું અદભૂત સદકાર્ય વંદનને પાત્ર છે!

સુધાજી  અંગ્રેજી અને કન્નડ ભાષાના શ્રેષ્ઠ લેખિકા છે એટલે આ પુસ્તક પણ એ જ ભાષામાં “The Day I Stopped Drinking Milk” ના પ્રેરક અને રસપ્રદ નામે સર્જાયું  પણ ગુજરાતમાં અને ગુજરાતીઓમાં વાચકોને ભાવકો સુધી શ્રેષ્ઠ રીતે અનુવાદ કરી… ભાવાનુવાદ કરી આપણી ગુજરાતી હથેળીઓમાં “માણસાઇની થાપણ” સ્વરૂપે  જીવંત કર્યું હોય તો એનો તમામ  શ્રેય પ્રોફેસર જેલમ હાર્દિક મેડમ ને જાય છે એમને સ્નેહવંદન સહ આવા સુંદર લોકભોગ્ય અનુવાદ માટે અંતરથી શુભેચ્છાઓ ! આ પુસ્તકની અનુક્રમણિકા એકદમ રસપ્રદ છે 1.બોમ્બેથી બેંગ્લોર…2.તું જ કાશી તું જ કાબા…3.ગંગા ઘાટ 4. બોધિવ્રત….5. ત્યારે અને અત્યારે…6. સંસ્કાર બીજ જેવા 23 એકદમ રસપ્રદ વાર્તાલેખો થી સજ્જ છે વાર્તાલેખોના શીર્ષક એટલા અદ્ભૂત રીતે આપ્યા છે કે માત્ર શીર્ષકનું નામ વાંચતા જ તમને આખે આખો વાર્તાલેખ વાંચવા તરફ એક પ્રકારનું પ્રસન્નતાસભર ખેંચાણ અનુભવાશે ! આવો જોઈએ એકાદ રસપ્રદ લેખનો અમુક ભાગ બોમ્બેથી બેંગ્લોર જઈ રહેલી ટ્રેનમાં સુધાજી પ્રવાસ કરી રહ્યા છે …એવામાં ટીકીટ કલેકટર ટ્રેનમાં આવે છે….ટીકીટ કલેક્ટર સુધાજી સામે જુવે છે અને સુધાજી લખે છે કે….

અચાનક મારી તરફ ફરીને એમણે પૂછ્યું , “તારી ટીકીટ ?”

‘અરે મારી ટીકીટ મેં તમને દેખાડી તો ખરી.’

‘મેડમ, હું તમને નહીં , તમારી સીટની નીચે સંતાયેલી છોકરીને કહું છું. એઇ બહાર આવ ક્યાં છે તારી ટીકીટ?’

છે..ક ત્યારે ખબર પડી કે મારી જ સીટની નીચે કોઈ બેઠું છે.માસ્તરે આખરે રાડ પાડી ત્યારે એ છોકરી બહાર આવી. એ શ્યામવર્ણી, દુબળી પાતળી છોકરી ખૂબ બીધેલી હતી ને જાણે ખૂબ રડી હોય એમ લાગતું હતું. અંદાજે તેર – ચૌદ વર્ષની એ છોકરીના વાળ વિખરાયેલા હતા ને એનાં સ્કર્ટ-બ્લાઉઝ  ફાટેલાં બે હાથ જોડીને એ ધ્રૂજતી રહી…!!” તમે આખો પ્રેરણાથી તરબતર વાર્તાલેખ વાંચો એટલે બસ હું અહીંયાંથી અટકું છું આવા ૨૩ એકથી એક ચઢે એવા પ્રેરણા સભર લેખોથી સર્જાયું છે આ પુસ્તક “માણસાઈ ની થાપણ” આમતો આ પુસ્તક સુધાજી નું અનુભવામૃત છે પણ વાંચતા વાંચતા ક્યાંક તમે પોતાના અંગત અનુભવોમાંથી પણ પસાર થતા હશો એવી લાગણીમાં ભીંજાશો..!! અને એટલે જ સુધાજી લખે છે કે ” આ વાર્તાઓ છે મારી, તમારીને ખટમધુરી ચીજ નામે જિંદગી ની.

મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને પૂર્ણ કરવાની છે આપણી સફર….રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભૂત ને રસપ્રદ પાત્રો.

જે આપણને ઘડશે, ઢાળશે વિધ વિધ આકારોમાં અને પછી મઠારશે….

અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને, જેણે એનાં બંને બાળકોને ઉછેર્યા બે જુદા જુદા ધર્મ સાથે…!! શી અસર પડી હશે એ બાળકોના કોમળ મન પર…!? એમના ભાવિ પર…!? વળી એક વાર્તા છે નાનકડી છોકરીએ કરેલી ટ્રેન મુસાફરીની….એક રાતની એ મુસાફરીએ બદલી નાખી એની આવતી કાલ….જેની પાસે માંગો એ બધું હાજર છે, એવા એક દુઃખી(!!) માણસને તમે શું કહેશો ?! આ પુસ્તકમાં સમાયેલા છે એક સામાજિક કાર્યકર અને સદાય શિક્ષક એવાં સુધા મૂર્તિના સત્યઘટનાત્મક અનુભવો જે રજૂ કરે છે મારી અને તમારી હૃદયસ્પર્શી વાતો.”

આપણાં પોતીકા જીવનમાં “માણસાઈ” ને વધારે ને વધારે જીવન ના બેલેન્સમાં  ક્રેડિટ કરી ને પુણ્ય કમાવવા હું મને મારી શિક્ષણયાત્રામાં મળેલા તમામ વિદ્યાર્થી મિત્રો , પરિવારના સ્વજનો અને દોસ્તોને વિનંતી કરું છું ! આપણાં સૌના જીવનમાં “માણસાઈ ની થાપણ” દિવસે ને દિવસે વધતી રહે એજ અંતરમનના શુભભાવ સાથે સૌનું શુભ હો..મંગલમય હો..!!

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code