સુરતઃ શહેરમાં કેબલ સ્ટેઈડ બ્રીજને વિવિધ રંગબેરંગી રોશનીથી ઝગમગાટ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શહેરના કેબલ સ્ટેઈડ બ્રિજ પ્રોજેક્ટની સેન્સર બેઝ મોનિટરિંગ તથા ફસાડ પ્રકારની લાઇટિંગ, પાંચ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ માટે મનપા દ્વારા અંદાજે 10 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ એક કંપનીને સોંપ્યો હતો. કેબલ સ્ટેઇડ બ્રિજ પર સેન્સર અને લાઇટિંગ માટેની કામગીરી આગામી એક બે અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના છે. આ માટે એજન્સી દ્વારા બ્રિજનો એક્ટરફનો છેડો સંપૂર્ણ રીતે 40 દિવસ માટે બંધ રાખવા માટે શહેરના મ્યુનિ.કમિશનરે પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં કેબલ સ્ટેઇડ બ્રિજ પર સેન્સર અને લાઇટિંગ માટેની કામગીરી હાથ ધરાશે. દરેક કેબલ તથા બ્રિજના સ્ટ્રક્ચર પર સેન્સર સહિતની ટેકનિકલ કામગીરી કરાશે. આ ઉપરાંત વિશિષ્ટ પ્રકારની લાઇટિંગ પણ ઊભી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર દ્વારા સેન્સર બેઇઝ્ડ મોનીટરીંગ તથા ફસાડ પ્રકારની લાઇટિંગની કામગીરી માટે બ્રિજનો એક તરફનો ભાગ 40 દિવસ માટે બંધ કરવા માંગણી કરતા ટ્રાફિકનો પ્રશ્ન ઊભો ન થાય તે માટે સુરત મ્યુનિના કમિશનરે પોલીસ કમિશનર સાથે ચર્ચા શરૂ કરી હતી. અને આગામી અઠવાડિયામાં શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કેબલ સ્ટેઇડ બ્રિજનો કોઈપણ એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે એક મહિનો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરત શહેરમાં કેબલ સ્ટેઇડ બ્રિજમાં સેન્સર બેઝ્ડ મોનીટરીંગ માટે બ્રિજન અથવા તરફના છેવાડે કંટ્રોલ રૂમ બનાવવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. અસામાન્ય પરિસ્થિતિમાં કે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર સંજોગોમાં કેબલની ગતિવિધિ કેવી છે ? તે આ સેન્સર દ્વારા જાણી શકાશે. કેબલ બ્રિજની ટેક્નિકમાં કોઈ ખામી સર્જાવાની શક્યતા હોય તો સેન્સર બેઝડ ટેકનોલોજીના કારણે એજન્સીને અને તંત્રને આગોતરી જાણ થઈ શકે છે. મ્યુનિ.ના સ્મેક સેન્ટર ખાતે પણ સેન્સર બેઝ મોનીટરીંગ ઓનલાઈન કરી શકાશે. આમ આગામી દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં શહેરીજનોને કેબલ બ્રિજ પર આકર્ષક લાઇટનો નજારો માણવા મળી શકે છે. જે સુરતની સુંદરતા અને કેબલ બ્રિજની આકર્ષકતમાં વધુ ઉમેરો કરશે.