ભાગલાવાદી પાકિસ્તાન પ્રેરીત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ અને ભૂતપૂર્વ આતંકવાદી યાસિન મલિક વિરુદ્ધ પબ્લિક સિક્યુરિટી એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. પીએસએ હેઠળ તેને બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય તેમ છે. જેકેએલએફ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલોમાં આના સંદર્ભે દાવો કરાયો છે.
એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યાસિન મલિકને જણાવવામાં આવ્યું કે તેની વિરુદ્ધ પીએસએ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે અને તેને જમ્મુ જિલ્લામાં આવેલી કોટ બલવલ જેલમાં સ્થાનાંતરીત કરવામાં આવશે.
જેકેએલએફના પ્રમુખ યાસિન મલિકને 22 ફેબ્રુઆરીએ આગમચેતીના પગલા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેને શ્રીનગરમાં કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. આના પહેલા જમ્મુ-કાશ્મીર સરકારે પુલવામા હુમલા બાદ આકરી કાર્યવાહી કરતા કાશ્મીર ખીણની ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સના 18 નેતાઓ અને 160 રાજકારણીઓને આપવામાં આવેલી સુરક્ષાને પાછી ખેંચી હતી.
આમા એસ. એ. એસ. ગિલાની, અગા સૈયદ મૌસવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસિન મલિક, સલીમ ગિલાની, શાહીદ ઉલ ઈસ્લામ, ઝફર અકબર ભટ્ટ, નઈમ અહમદ ખાન, ફારુખ અહમદ કિચલૂ, મસરુર અબ્બાસ અંસારી, અગા સૈયદ અબ્દુલ હુસૈન, અબ્દુલ ગની શાહ, મોહમ્મદ મુસાદિક ભટ્ટ અને મુખ્તાર અહમદ વજા સામેલ હતા.
આના સંદર્ભે યાસિન મલિકે એમ પણ કહ્યુ હતુ કે ગત 30 વર્ષોથી તેને કોઈ સુરક્ષા મળી નથી. તેવામાં જ્યારે સુરક્ષા મળી જ નથી, તો સરકાર કઈ સુરક્ષા વાપસીની વાત કરી રહી છે. આ ભાગલાવાદી નેતાઓની સુરક્ષામાં એકસોથી વધારે વાહનો લાગેલા હતા. તેના સિવાય એક હજાર પોલીસકર્મીઓને પણ સુરક્ષા વ્યવસ્થામાં લગાવવામાં આવ્યા હતા.