Site icon Revoi.in

રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો પોષણ માસ તરીકે ઊજવાશે

Social Share

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષિત થતાં અટકે એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત આગામી સપ્ટેમ્બર માસ ‘‘પોષણ માસ’’ તરીકે ઊજવાશે. રાજ્યભરમાં આ માસના ચારે સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે એમ મહિલા અને બાળ કમિશનર કે.કે.નિરાલાની યાદીમાં જણાવાયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘‘પોષણ અભિયાન’’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પ્રતિવર્ષ સપ્ટેમ્બર માસમાં જન આંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માસ અને માર્ચ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવમાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતમાં જન આંદોલન થકી આ કાર્યક્રમો યોજાશે.

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત સપ્ટેમ્બર 2021માં પોષણ માસની સાપ્તાહિક થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ સપ્તાહ દરમિયાન પોષણ વાટિકા સંદર્ભે આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયત અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે. રાજ્યના 33 જિલ્લાની 11,000 આંગણવાડી કેન્દ્રોમાં જ્યાં કંપાઉન્ડ વોલ, પાણીની સુવિધા અને જમીન ઉપલબ્ધ છે તેવી જગ્યાઓમાં વન વિભાગ, બાગાયત વિભાગ તથા જનભાગીદારી દ્વારા ૩૫ લાખથી વધુ રોપાઓનું વનીકરણ કરાશે. આ માટે રાજ્યના વન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના સહયોગથી પોષણ માસ દરમિયાન મહત્તમ ન્યુટ્રી ગાર્ડનનું નિર્માણ કરવાનું વ્યાપક સ્તરે આયોજન કરાયુ છે.

સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણ માટે જાગૃતિ આવે તે આશયથી બીજા સપ્તાહમાં યોગ અને આયુષ વિભાગ દ્વારા સામૂહિક યોગના કાર્યક્રમો થકી કુપોષિત થતા અટકાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરાશે. ત્રીજા સપ્તાહમાં રાજ્યના અતિકુપોષિત જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓમાં ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાશે. જ્યારે ચોથા સપ્તાહમાં વિવિધ જિલ્લાઓમાં અતિ કુપોષિત બાળકોને શોધીને ન્યુટ્રીશન ખોરાક પૂરો પાડવામાં આવશે.પોષણ અંગે જાગૃતિ આવે એ આશયથી સોશિયલ મીડિયા દ્વારા તથા વિવિધ કાર્યક્રમો દ્વારા લાભાર્થીઓને જાગૃત કરાશે. આ કાર્યક્રમો kovid-19 માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય એ રીતે યોજાશે.