સપ્ટેમ્બર મહિનાની હવે પોષણ માસ તરીકે ઊજવણી કરાશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે વડોદરા ગયા હતા. જ્યાં તેમણે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત રૂા.21 હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે, જેથી માતાઓને પોષણ મળી રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે, આજે સવારે જન્મદાત્રી માના આશીર્વાદ લીધા, ત્યાર બાદ જગતજનની મા કાલીના આશીર્વાદ લીધા અને આજે માતૃશક્તિનાં વિરાટ દર્શન કરી તેમના આશીર્વાદ લીધા. 21મી સદીના વિકાસ માટે મહિલાઓનો વિકાસ અને સશક્તીકરણ ખૂબ જ જરૂરી છે. અમારી સરકારે મહિલાઓ માટે પસંદગીનું કામ કરવા માટે દ્વાર ખોલી દીધા છે. ઘરે ઘરે નળથી પાણી આપવામાં આવી રહ્યું છે જેથી માતાઓનાં માથે બેડાં ઉતારવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. મુદ્રા લોન લેનારાઓમાં 70 ટકા મારી બહેનો છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારને કારણે ચારેય તરફ વિકાસ થઇ રહ્યો છે. દોઢ લાખ લોકોને પાકું મકાન મળ્યું છે, આ મકાન મળે તે બહેનોના નામે હોય, એવો મારો પ્રયાસ હોય છે
તેમણે વધુમાં કહ્યું કે, વડોદરા સંસ્કારની નગરી છે, આ શહેર તમામ લોકોને તક આપે છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. મારું પણ લાલનપાલન કર્યું હતું. વડોદરા આવું એટલે બધું જૂનું યાદ આવે છે. વડોદરાનું મારા જીવનમાં યોગદાન ક્યારેય ન ભૂલી શકું, શાસ્ત્રીપોળ, રાવપુરા સહિતનાં સ્થળોને ક્યારેય નહીં ભૂલી શકું, ડભોઇ, પાદરા અનેક યાદો છે 2014માં લોકસભા ચૂંટણી લડ્યો ત્યારે વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથ મંદિરમાં મને આશીર્વાદ મળ્યા હતા. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોદ ભાવે, બાબા સાહેબ આંબેડકર જેવા મહાનુભાવોને પણ આ નગરીએ પ્રેરિત કર્યાં હતા. વડોદરાને સ્માર્ટ બનાવવા માટે 25 પ્રોજેક્ટ મંજૂર થયા છે, જેમાંથી 16 પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા છે. આ દેશની પહેલી રેલવે યુનિવર્સિટી, એ પણ વડોદરામાં અને ગતિ યુનિવર્સિટી તરીકે એનો વિસ્તાર પણ વડોદરામાં થઇ રહ્યો છે.