અમદાવાદમાં BRTSની બસ અંડરબ્રિજના પિલ્લર સાથે અથડાઈ, બસના થયાં બે ફાડિયા
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એએમટીએસ અને બીઆરટીએસ બસના અકસ્માતમાં વધારો થયો છે. દરમિયાન આજે શહેરના અખબારનગર અંડરપાસમાં બીઆરટીએસ બસને ગંભીર અકસ્માત થયો હતો. બસ અંડરપાસના પિલ્લરમાં ઘુસી જતા તેના બે ફાડિયા થયા હતા. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. સદનસીબે બસમાં કોઈ મુસાફર નહીં હોવાથી મોટી જાનહાની ટળી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર શહેરના ઈસ્કોનથી આરટીઓ તરફ જતી બસ અખબારનગર અંડરપાસમાંથી પસાર થતી હતી ત્યારે બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગમાવતા બસ સીધી પિલ્લરમાં ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બસના બે ફાડિયા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ અને બીઆરટીએસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
આ દૂર્ઘટનામાં ઘવાયેલા ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. બસનું સ્ટેયરિંગ લોક થઈ જતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાય રહ્યું છે. જો કે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસના અંતે જ જાણી શકાશે. અકસ્માત એટલો ગંભીર હતો કે, અંડરબ્રિજનો પિલ્લર બસની લોખંડની બોડી ચીરીને લગભગ 4થી 5 ફુટ અંદર ઘુસી ગયું હતું. પિલ્લરમાં બસ ઘુસી જતા, એન્જિન, ડ્રાઈવરની કેબિન અને આગળની ખુરશીઓનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બસ ઈસ્કોનથી આરટીઓ તરફ જતી હતી. જો કે, બસમાં કોઈ મુસાફર નહીં હોવાથી અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી.