કોરોનાના ગંભીર દર્દીઓનો પણ જીવ બચાવી શકાશેઃ- વૈજ્ઞાનિકોએ આ ખાસ દવાને મૃત્યુનું જોખમ ઘટાડવામાં 28 ટકા કારગાર ગણાવી
- ગંભીર કોરોનાના દર્દીઓ પણ બચી શકશે
- વૈજ્ઞાનિકોએ દવાને કારગાર ગણાવી
દિલ્હીઃ-વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવખત કોરોનાનું સંકટ પરત ફરી રહ્યું છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધઘટની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં હજુ પણ સંક્રમિતોના વધતા મૃત્યુ ડોકટરો માટે ચિંતાનો વિષય છે.
આ સમગ્ર બાબતને લઈને આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાની વેક્સિન લઈ લીધેલા લોકોને કોવિડનું ગંભીર સંક્રમણ અને મૃત્યુનું જોખમ ઓછી હોય છે. દરમિયાન, તાજેતરના સંશોધનમાં, સંશોધકોએ લોકોને કોરોના દર્દીઓમાં મૃત્યુના જોખમને ઘટાડવા માટેના અન્ય ઉપાય વિશે પણ માહિતી આપી છે.
જામા નેટવર્કમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસની જો વાત કરીએ તો, વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે કોવિડના દર્દીઓ જેમને સારવાર દરમિયાન પસંદગીયુક્ત સેરોટોનિન રિપ્ટેક ઇન્હિબિટર (SSRI) એન્ટીડિપ્રેસન્ટ દવાઓ આપવામાં આવી હતી તેઓમાં અન્ય દર્દીઓની સરખામણીમાં મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું જોવા મળ્યું હતું. આ અભ્યાસના આધારે સંશોધકોનું કહેવું છે કે અમુક એન્ટીડિપ્રેસન્ટ દવાઓ કોવિડ દર્દીઓના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ બાબતે અમેરિકાના 87 સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રોમાંથી મેળવેલા ડેટાના વિશ્લેષણના આધારે વૈજ્ઞાનિકો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. સંશોધકોનું કહેવું છે કે SSRI દવાઓ કોવિડના ગંભીર કેસોને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો કે, આને વ્યાપક ધોરણે સાબિત કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ્સ જરૂરી છે.
યુ.એસ.ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે કોવિડ-19 ડિ-ઓઇડિફાઇડ ડેટાબેઝમાંથી ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સનું વિશ્લેષણ કર્યું. તેમાં અમેરિકાના લગભગ 5 લાખ કોવિડ દર્દીઓની માહિતી હતી.જેમાં જાન્યુઆરી-સપ્ટેમ્બર 2020 વચ્ચે કોવિડ-19 નું નિદાન થયેલા 83 હજાર 584 પુખ્ત દર્દીઓનો પણ સમાવેશ થાય છે. તેમાંથી 3 હજાર 401 દર્દીઓને સારવાર દરમિયાન SSRI દવાઓ આપવામાં આવી હતી. ઉંમર, લિંગ અને તબીબી ઇતિહાસના આધારે, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે SSRI એન્ટીડિપ્રેસન્ટ દવા ફ્લુઓક્સેટીનનો ઉપયોગ કોવિડ દર્દીઓના મૃત્યુની સંભાવનાને 28 ટકા ઘટાડી શકે છે.
આ સમગ્ર મામલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (UC) ના સહયોગી પ્રોફેસર મરિના સિરોટા કહે છે કે કોરોનાના સંક્રમણમાં કેટલીક એન્ટીડિપ્રેસન્ટ દવાઓ જોવા મળી છે, જોકે વ્યક્તિગત દર્દીઓ પર તેના પરિણામો જાણવા માટે વિગતવાર અભ્યાસની જરૂર છે।