ગૃહમાં ગંભીર લોકતાંત્રિક ચર્ચાઓ લોકશાહીની જનની તરીકેનાં આપણાં ગૌરવને વધુ શક્તિ આપશે: PM
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનાં શિયાળુ સત્રની શરૂઆતમાં રાજ્યસભાને સંબોધન કર્યું હતું અને આજે ઉપલાં ગૃહમાં ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તેમણે પોતાનાં સંબોધનની શરૂઆત ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને સંસદના તમામ સભ્યો તેમજ દેશના તમામ નાગરિકો વતી અભિનંદન આપીને કરી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિના પ્રતિષ્ઠિત હોદ્દા પર પ્રકાશ પાડતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ પીઠ પોતે જ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.
રાજ્યસભાના સભાપતિને સંબોધતા પીએમ મોદીએ એ બાબતે આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, આજે યોગાનુયોગે સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ છે અને ગૃહના તમામ સભ્યો વતી સશસ્ત્ર દળોને સલામી આપી હતી. ઉપરાષ્ટ્રપતિનું જન્મસ્થળ ઝુંઝુનુનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ ઝુંઝુનૂના અસંખ્ય પરિવારોનાં યોગદાનનો સ્વીકાર કર્યો હતો, જેમણે દેશની સેવામાં આગળ પડતી ભૂમિકા ભજવી છે. તેમણે જવાનો અને કિસાનો સાથે ઉપરાષ્ટ્રપતિના ગાઢ સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, “આપણા ઉપરાષ્ટ્રપતિ કિસાન પુત્ર છે અને તેમણે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આમ, તેઓ જવાનો અને કિસાનો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.”
પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે ભારતમાં બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ આકાર પામી રહી છે, ત્યારે સંસદનું માનનીય ઉચ્ચ ગૃહ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરી રહ્યું છે. મોદીએ ધ્યાન દોર્યું હતું કે, ભારતે આઝાદી કા અમૃત કાલમાં પ્રવેશ કર્યો છે અને જી-20 સમિટની યજમાની અને અધ્યક્ષતા કરવાની પ્રતિષ્ઠિત તક પણ મેળવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત નવા ભારત માટે વિકાસના નવા યુગને ચિહ્નિત કરવા ઉપરાંત આગામી દિવસોમાં દુનિયાની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણી લોકશાહી, આપણી સંસદ અને આપણી સંસદીય વ્યવસ્થા આ યાત્રામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળની ઔપચારિક શરૂઆત થઈ રહી છે એ બાબત પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે, ઉપલાં ગૃહના ખભા પર જે જવાબદારી મૂકવામાં આવી છે, તે સામાન્ય માનવીની ચિંતાઓ સાથે સંકળાયેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ સમયગાળા દરમિયાન ભારત તેની જવાબદારીઓને સમજે છે અને તેનું પાલન કરે છે.” તેમણે એવું પણ ધ્યાન દોર્યું હતું કે, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સ્વરૂપે ભારતનો પ્રતિષ્ઠિત આદિવાસી સમાજ આ મહત્ત્વપૂર્ણ તબક્કે દેશને માર્ગદર્શન આપી રહ્યો છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેઓ વંચિત સમુદાયમાંથી આવીને દેશના ટોચનાં પદ પર પહોંચ્યા હતા.
શ્રદ્ધાપૂર્વક પીઠાસન તરફ જોતાં તેમણે કહ્યું હતું કે, “તમારું જીવન એ વાતનો પુરાવો છે કે વ્યક્તિ માત્ર સાધનસંપન્ન માધ્યમોથી જ કશું પણ હાંસલ કરી શકતી નથી, પરંતુ આચરણ અને અનુભૂતિથી પ્રાપ્ત કરી શકે છે.” ત્રણ દાયકાથી વધુ સમય સુધી વરિષ્ઠ વકીલ તરીકે ઉપરાષ્ટ્રપતિના અનુભવ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ હળવાશમાં કહ્યું કે તેમને ગૃહમાં કૉર્ટની ખોટ અનુભવાશે નહીં કારણ કે રાજ્યસભામાં મોટી સંખ્યામાં લોકો છે જે તેમને સુપ્રીમ કૉર્ટમાં મળતા હતા. તેમણે આગળ કહ્યું, “તમે ધારાસભ્યથી લઈને સાંસદ, કેન્દ્રીય મંત્રી અને રાજ્યપાલની ભૂમિકામાં પણ કામ કર્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ બધી ભૂમિકાઓમાં સામાન્ય પરિબળ એ દેશના વિકાસ પ્રત્યેની તેમની નિષ્ઠા અને લોકશાહી મૂલ્યો છે. પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એકત્ર કરેલા 75 ટકા મત હિસ્સાને પણ યાદ કર્યો હતો, જે દરેકનાં તેમનાં પ્રત્યેનાં જોડાણનો પુરાવો છે. પીએમ મોદીએ ટિપ્પણી કરી હતી કે, “આગેવાની લેવી એ નેતૃત્વની વાસ્તવિક વ્યાખ્યા છે અને રાજ્યસભાના સંદર્ભમાં તે વધારે મહત્ત્વપૂર્ણ બની જાય છે, કારણ કે લોકશાહી નિર્ણયોને વધારે શુદ્ધ રીતે આગળ વધારવાની જવાબદારી ગૃહની છે.”
આ ગૃહની ગરિમા જાળવવા અને તેને વધારવા માટે તેના સભ્યોને સોંપવામાં આવેલી જવાબદારીઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ગૃહ દેશની મહાન લોકતાંત્રિક વિરાસતનું વાહક રહ્યું છે અને તેની શક્તિ પણ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓએ કોઈક સમયે રાજ્યસભાના સભ્યો તરીકે સેવા આપી હતી. પ્રધાનમંત્રીએ સભ્યોને ખાતરી આપી હતી કે, ઉપરાષ્ટ્રપતિનાં માર્ગદર્શન હેઠળ આ ગૃહ પોતાના વારસા અને ગરિમાને આગળ વધારશે. તેમણે ઉમેર્યું હતું કે, “ગૃહમાં ગંભીર લોકતાંત્રિક ચર્ચાઓથી લોકશાહીની જનની તરીકે આપણાં ગૌરવને વધારે બળ મળશે.”
સંબોધનનાં સમાપનમાં પીએમ મોદીએ છેલ્લાં સત્રને યાદ કર્યું હતું, જેમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ અધ્યક્ષની શબ્દરચનાઓ અને કવિતાઓ સભ્યો માટે ખુશી અને હાસ્યનું કારણ બનતા હતા. પીએમ મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, “મને ખાતરી છે કે તમારો હાજરજવાબી સ્વભાવ આની ખોટ સાલવા દેશે નહીં અને તમે ગૃહને તે લાભ આપવાનું ચાલુ રાખશો.”