શિક્ષણને લઈને ગંભીર સમાચાર,દેશમાં એક લાખ શાળાને માત્ર એક શિક્ષક ચલાવે છે
- દેશમાં 11 લાખ શિક્ષકોની જરૂર
- 1 લાખ શાળા માત્ર 1 શિક્ષકથી ચાલે છે
- બાળકોના ભણતર પર સંકટ
કોરોના મહામારીના સમય પછી પણ ભણતરને લઈને વિદ્યાર્થીઓ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થી ગામડામાં રહેનારાની સ્થિતિ એવી છે કે તેઓ ટેક્નોલોજીની અસુવિધાને કારણે ભણી શકતા નથી. ત્યારે આમાં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)નો 2021નો ભારતમાં શિક્ષણના ચિત્રનો અહેવાલ બતાવે છે કે ભારતમાં એક લાખ શાળાને માત્ર એક શિક્ષક ચલાવે છે.
દેશમાં જરૂરી કુલ શિક્ષકોની સામે લગભગ 11.16 લાખ જેટલી એટલે કે 19% જગ્યા ખાલી છે. આમાંની મોટાભાગની 89% જગ્યા ગ્રામીણ ક્ષેત્રની છે. પ્રાથમિક સુવિધાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની ગેરહાજરીને કારણે શહેર તરફ્ દોટ વધી છે. વળી, આવું દેશના દરેક રાજ્યોમાં છે.
યુનેસ્કોનો અહેવાલ જણાવે છે કે સૌથી વધુ જગ્યા ખાલી ઉત્તરપ્રદેશ, બિહાર અને પ. બંગાળમાં છે. ઉત્તરપ્રદેશમાં અંદાજે 3.20 લાખ છે જેમાંથી 80% જગ્યા ગ્રામીણ ક્ષેત્રની છે, બિહારમાં 2.20 લાખ છે જેમાંથી 89% ગામડાંમાં ખાલી છે અને પ. બંગાળમાં 1.10 લાખ જગ્યા ખાલી છે જે 69% જેટલી ગ્રામીણ ક્ષેત્રની થવા જાય છે.
ગુજરાતમાં આશ્વાસન લઈ શકાય એવી વાત છે એ છે કે અહીં 30,869 શિક્ષકો જ ખૂટે છે. ગુજરાતમાં શાળાની સંખ્યા 55,000ની નજીક છે. ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રમાં 39% જગ્યા ખાલી છે. મહિલા શિક્ષકોનો હિસ્સો 53% છે. ખાલી લક્ષદ્વીપ એવું છે કે જ્યાં શિક્ષકો પૂરતાં પ્રમાણમાં છે.