Site icon Revoi.in

સુરેન્દ્રનગરના 31 ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, જિલ્લા કલેકટરને રજુઆત

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઉનાળાના આગમન પહેલા જ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. આમ તો જિલ્લાના મોટાભાગના ગામડાંમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે,પણ વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જિલ્લાના ત્રણ તાલુકાના મુળી, ધ્રાંગધ્રા, અને વઢવાણ તાલુકાના 31 ગામોમાં પાણીની સમસ્યાને લઇ પરેશાની થઇ રહી છે. આથી ગ્રામજનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ધસી આવ્યા હતા. જ્યાં સૌની યોજના હેઠળ તળાવડા ભરાવડાવી પીવા તથા ખેતીવાડી માટે પાણી પુરૂ પાડવા માંગ કરી હતી. જ્યારે અગાઉ રજુઆતો થઇ ત્યારે તંત્રએ ખાતરી આપી હતી પણ હજુ સુધી એનો અમલ કરાયો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, ધ્રાંગધ્રા, વઢવાણ તાલુકાના 31 ગામોમાં પાણીની સમસ્યાને લઇ અગાઉ આવેદનથી આંદોલન જેવા કાર્યક્રમો થયા હતા.જેમાં લોકોને પાણી પીવા અને  ખેડુતોને સિંચાઈ માટે પાણી આપવા માંગ કરાઇ હતી. પરંતુ હજુ સુધી પાણી ન મળતા ગ્રામજનો ફરીવાર કલેક્ટર કચેરીએ રજૂઆત માટે દોડી આવ્યા હતા. જેમાં અધિક કલેક્ટરને એવી રજુઆત કરવામાં આવી હતી કે, મૂળી તાલુકાના ટીકર, દિગસર, પાંડવરા, સરા, જેપર, સરલા, કળમાદ, દુધઇ, કુંતલપુર,લીયા, દાણાવાડા, જ્યારે વઢવાણના રૂપાવટી, નગરા, અધેલી, ખોડુ, પ્રાણગઢ, ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર, ગુજરવદી, ધોળી, નારીચાણા, મોટા અંકેવાળીયા, રામપરા, ભેચડા, ગાજણવાવ, રાયગઢ, દેવચરાડી, કોંઢ, કલ્યાણપુર, રતનપર, ખાંભડા સહિતના 31 ગામોમાં પીવા તથા ખેતીવાડી માટે પાણીની વિકટ સમસ્યા છે. સૌની યોજના હેઠળ ગામડાંના તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. 31 જેટલા ગામોમાં સિંચાઈના પાણીનો પણ પ્રશ્ન છે. અધિક જિલ્લા કલેકટરે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.