Site icon Revoi.in

સુરત મ્યુનિ,કોર્પોરેશનના ચીફ એકાઉન્ટ વતી પટ્ટાવાળો 2.50 લાખની લાંચ લેતા પકડાયો

Social Share

સુરતઃ ગુજરાતમાં લાંચ માગવાના કેસ વધી રહ્યો છે. સુરત મ્યુનિ. કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ વતી પટાવાળો રૂપિયા 2.50 લાખની લાંચ લેતા ઝડપાયો છે. શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં ACBએ છટકું ગોઠવીને ચીફ એકાઉન્ટન્ટ વતી અઢી લાખ રૂપિયાની લાંચ લેતા પટાવાળાને ઝડપી પાડ્યો હતો. ACBએ ચીફ એકાઉન્ટન્ટ અને પટ્ટાવાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં રહેતા એક વેપારીને સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિકને લગતા કામનો વર્ક ઓર્ડર મળ્યો હતો. તેના સિક્યુરિટી ડીપોઝીટ પેટે તેણે નાણાં જમા કરાવેલા હતા. તે નાણાં પરત મેળવવા તેણે અરજી કરી હતી. જે અનુસંધાને મ્યુનિના ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશચંદ્ર આરીવાલાએ રૂબરૂ બોલાવી નાણાં પરત કરવાના અવેજ પેટે 2.5 લાખની લાંચની માંગણી કરી હતી અને લાંચની રકમ પટ્ટાવાળા લાલુ ભીખુભાઇ પટેલને આપી દેવા જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે ACBમાં ફરિયાદ થતા છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશચંદ્ર આરીવાલાએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને પટાવાળા લાલુ ભીખુભાઇ પટેલને લાંચના રૂપિયા 2.50 લાખ લેવા મોકલ્યો હતો. અને ઘોડદોડ રોડ પંચોલી સોસાયટી પાસેથી અઢી લાખ રૂપિયાની લાંચ લેતા ACBએ પટ્ટાવાળાને ઝડપી પાડ્યો હતો.  આ કેસમાં ACBએ બંનેની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મ્યુનિના ચીફ એકાઉન્ટન્ટ રૂપિયા લેતા પકડાતા સમગ્ર  મ્યુનિ. કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો હતો. એસીબીએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અને મ્યુનિ.ના ચીફ ઓફિસરની મિલક્તોની તપાસ પણ કરવામાં આવી રહી છે.