અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ઈમિગ્રેશન માટેના કાઉન્ટર પણ વધારવામાં આવ્યા છે. પરંતુ ઘણીવાર સર્વર ધીમું ચાલતું હાવાને કારણે વિદેશથી આવેલા પ્રવાસીઓ પરેશાન થતાં હોય છે. ત્યારે ફરીવાર સર્વર ઠપ થઈ જતાં એરપોર્ટના ઈમિગ્રેશનની બારીઓ પર પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી હતી, દોઢ-બે દિવસની લાંબી મુસાફરી કરીને આવેલા પ્રવાસીઓને ઈમિગ્રેશન કાઉન્ટર પર લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવું પડ્યું હતું.
ગુજરાતમાં સરકારની અનેક સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. ત્યારે સર્વર ઠપ થઈ જવાનું હવે તો સામાન્ય બનતું જાય છે. ગુજરાતમાં આરટીઓનું સર્વર તો છેલ્લા 10 દિવસથી બંધ છે, અને અરજદારો મુશ્કેલીઓ વેઠા રહ્યા છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટનું સર્વર પણ ઠપ થઈ જતાં ઈમિગ્રેશન સેવાને માઠી અસર પહોંચી છે. ઇમિગ્રેશન કાઉન્ટર પર એકાદ કલાક મુસાફરો લાઈનમાં ઊભા રહ્યા હતા. તેથી આ હાલાકીને લઈ લોકોએ ટ્વિટરના માધ્યમથી અમદાવાદ એરપોર્ટની સ્થિતિની ફરિયાદ કરી હતી.
ગુજરાતના સૌથી વ્યસ્ત એરપોર્ટ એવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 3 વર્ષમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ઇમિગ્રેશન કાઉન્ટરમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા બે દિવસથી રોજ રાત્રિ દરમિયાન ઇમિગ્રેશન માટેના કાઉન્ટર પરના સર્વર બંધ રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવાઈ મુસાફરી માટે ઇમિગ્રેશન સૌથી મહત્વનું પગલું છે. ઇમિગ્રેશન વગર કોઈ પણ મુસાફર હવાઈ મુસાફરી કરી શકતા નથી, ત્યારે એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન સર્વર બંધ હોવાને કારણે મુસાફરોને એક કલાકના સમય માટે પણ રાહ જોવી પડી હતી. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના ઇમિગ્રેશન સર્વર ઠપ હોવાને કારણે મુસાફરોનું ઇમિગ્રેશન મોડુ થયું હતું. તેને કારણે ફ્લાઈટ પણ મોડી ટૅકઑફ થઈ હોવાની શક્યતાઓ છે. આવા કારણોસર અમદાવાદ એરપોર્ટના સુવ્યવસ્થિત સુવિધાઓ પૂરી પાડવાના દાવા પોકળ સાબિત થયા હોય તેમ જણાઈ રહ્યું છે.