Site icon Revoi.in

અમદાવાદમાં બે પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં સર્વરમાં ક્ષતિ સર્જાતા અરજદારોને ધક્કો પડ્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં મીઠાખળી અને વિજ્યચાર રસ્તા પર આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો પર ટીસીએસનું સર્વર ઠપ થઈ જતા પાસપોર્ટની અરજી સબમિટ કરવા માટે આવેલા અરજદારો અટવાઈ પડ્યા હતા. મીઠાખળી અને વિજય ચાર રસ્તા પરના પાસપોર્ટ સેવા કેન્દ્રો પરથી 600થી વધુ અરજદારોને ઘરે પાછા જવાનો વારો આવ્યો હતો. નોર્મલ એપ્લિકેશનવાળા અરજદારોને સોમવારથી શુક્રવાર સુધીમાં ફરીથી આવવાની સૂચના અપાઇ હતી. જ્યારે તત્કાલ પાસપોર્ટની અરજીવાળા અરજદારોને શુક્રવારની તારીખ આપવામાં આવી હતી.

અમદાવાદમાં મીઠાખળી અને વિજય ચાર રસ્તા પર આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો પર સવારથી અરજદારોની લાઈનો લાગી હતી. બન્ને સેવા કેન્દ્રો પર 600 જેટલા અરજદારોને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. બન્ને પાસપોર્ટ સેવા કેન્દ્ર પર સવારે 10 વાગ્યાથી જ સર્વરમાં ટેક્નિકલ ખામીને કારણે કામગીરી ધીમી પડી ગઈ હતી. જોકે બી અને સી કાઉન્ટર પર એકેય અરજદારની અરજીનું વેરિફિકેશન થતું ન હતું . આમ બે કલાકના વિલંબ બાદ એટલે કે 1 વાગ્યે પાસપોર્ટની કામગીરી શરૂ થઈ હતી. થોડી મિનિટ કામગીરી ચાલુ રહ્યા બાદ આખું સર્વર ઠપ થઈ જતાં કામગીરી બંધ કરવી પડી હતી અને હાજર અરજદારોને ઘરે પાછા જવા કહેવામાં આવ્યું હતું. આમ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર 4.30 સુધી તમામ કામગીરી ઠપ થઈ ગઈ હતી. ત્યારબાદ સિસ્ટમ ફરીથી શરૂ થતા જે અરજદારો ઉપસ્થિત હતા તેમની પાસપોર્ટની અરજી સબમિટ થઈ હતી. (File photo)