અમદાવાદઃ શહેરમાં પાટિદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિત 21 લોકો સામે કરાયેલા કેસો પાછા ખેંચવા રાજ્ય સરકારે સેશન્સ કોર્ટમાં કરેલી રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે માન્ય રાખી દીધી છે. સોમવારે આ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વધુ 2 આરોપીઓને લઈ સરકારે અરજી કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે રિવિઝન અરજી માન્ય રાખી છે. આ કેસમાં હાર્દિક સહિત 19 આરોપીઓ ઉપરાંત સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં વધુ 2 આરોપી છે. જેને લઈ હવે આ કેસમાં 21 આરોપીઓ સામે કેસની સુનાવણી કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં પાટીદારોના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિત 21પાટીદારો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. અને કોર્ટમાં કેસ ચાલતા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે પાટિદાર યુવાનો સામેના કેસ પાછા ખેંચવા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી.જેને સેશન્સ કોર્ટે માન્ય રાખી છે. હાર્દિક પટેલ સહિત 21 લોકો સામે કેસ પરત ખેંચવા કોર્ટે હુકમ આપતા હાશકારો અનુભવ્યો છે. હવે હાર્દિક પટેલ સામે રાજદ્રોહ કેસ જ બાકી રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, પાટીદારો સામે અન્ય કેસ પરત ખેંચાઈ રહયા છે તો આ કેસ પણ પરત લેવો જોઈએ. અન્ય કેસો પરત ખેંચવા સરકારે જ નિર્ણય કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે. કે, પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી હતી. 2જી મેના રોજ આ કેસમાં તહોમતનામું સંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી હતી.
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે. વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમની પાટીદારોને અનામત આપવાની માગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતનાં પૂર્વ CM આનંદીબહેન સરકાર પર દબાણ આવ્યું હતું.