ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને વર્ષો પહેલા રાહત દરના પ્લોટ્સ ફાળવવામાં આવ્યા હતા. અને કર્મચારીઓ રાહતદરના પ્લોટ્સ પર ઘર બનાવીને વર્ષોની વસવાટ કરી રહ્યા છે. ઘણાબઘા કર્મચારીઓ તો નિવૃત પણ થઈ ગયા છે. ત્યારે રાહતદરના પ્લોટ્સ પર મકાન બનાવેલા હોવાથી તેના વેચાણ માટે સરકારની મંજુરી લેવી પડે છે. સરકાર મંજુરી આપતી નહોવાથી વસાહતીઓમાં વિરોધ જાગ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં રાહતદરે ફાળવેલા પ્લોટ પર બનાવવામાં આવેલા મકાનોની વેચાણ મંજૂરીની અરજીઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવતાં ઢગલાબંધ અરજી પડતર પડી રહી છે. જેનાં કારણે પરસેવાની કમાણીથી ઉભી કરાયેલી પોતાની જ પ્રોપર્ટીના વેચાણ માટે બ્રેક લાગી જતાં વય નિવૃત કર્મચારીઓ અને અસરગ્રસ્ત ખેડૂતોની સેક્ટર – 12 ઉમિયા મંદિરે ખાસ બેઠક મળી હતી. જેમાં પડતર અરજીઓનો સત્વરે નિકાલ કરવાની માગ કરવામાં આવી હતી..
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થાપના કાળથી સરકારી નગર તરીકે ઓળખ ધરાવે છે. અહીં સરકારી કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા રાહતદરે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જેનાં પર કર્મચારીઓએ પરસેવાની કમાણી થકી મકાન બાંધ્યા છે. જો કે, છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં રાહદારનાં પ્લોટ પર બાંધવામાં આવેલા મકાનોની વેચાણ મંજૂરી પર રોક લાગી ગઈ છે. જેનાં કારણે પ્રોપર્ટી ધારક પોતાની જ પ્રોપર્ટી વેચી શકતો નથી. ગાંધીનગરમાં વસતાં કર્મચારીઓ વય નિવૃતિ બાદ પોતાના વતન સહિતના અન્ય સ્થળોએ સ્થાયી થવા માંગતા હોવા ઉપરાંત ઘણા લોકો પ્રોપર્ટી વેચીને સંતાનોને ભાગ આપવા પણ ઈચ્છી રહ્યા છે. પરંતુ લાંબા સમયથી કોર્ટમાં મેટર પેન્ડીંગ હોવાના કારણે ગાંધીનગરમાં રાહદારનાં પ્લોટ પર બાંધવામાં આવેલા મકાનો વેચાણ મંજૂરી અટવાઈ પડી છે.
આ મુદ્દે વયનિવૃત કર્મચારીઓ અને 18 ગામના અસરગ્રસ્ત ખેડૂતોની ખાસ બેઠક ઉમિયા મંદિર મળી હતી. જેમાં વેચાણ મંજૂરી માટે રાજયપાલ, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સુધી આવેદનપત્ર આપી સત્વરે વેચાણ મંજૂરી આપવા માટે માંગણી કરવાનું નક્કી કરાયું હતું.