અમદાવાદઃ શહેરમાં વસતીમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. બહારના લોકો રોજગારી માટે અમદાવાદ આવી રહ્યા છે. એટલે રહેણાંક માટેના મકાનોની માગ પણ વધતા જાય છે. ત્યારે શહેરમાં ક્રોક્રિટના જંગલની જેમ હાઈરાઈઝ બિલ્ડિંગો ઊભા થઈ રહ્યા છે. ત્યારે 35થી 37 માળ સુધીનાં સાત બિલ્ડિંગ માટે આજે ગાંધીનગર ખાતે પ્રી વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના બોડકદેવ, ગોતા, સોલા સાયન્સ સિટી વિસ્તાર, શીલજ, છારોડી, શેલા વિસ્તારમાં સાત બિલ્ડિંગ પ્રોજેક્ટમાંથી એક કે બે પ્રોજેક્ટને મંજૂરી પણ મળી ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા 23 હાઈરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી મળેલી છે, જેમાંથી અમદાવાદ સિટીના 18, અમદાવાદ ઔડા વિસ્તારના 2, સુરત, ગાંધીનગર, વડોદરાના એક-એક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 48 ટકા વસતી શહેરોમાં વસે છે અને વર્ષ 2035 સુધીમાં એટલે કે આગામી 12 વર્ષમાં રાજ્યની 60 ટકા વસતી શહેરોમાં હશે. તેમ શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું. જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી પહેલાં આજે તા.15 ડિસેમ્બરે શહેરી વિકાસ વિભાગની ‘લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો’ (આવતીકાલના રહેવાલાયક શહેરો) વિષય પર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રી વાઇબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં અમદાવાદની સાત હાઈરાઇઝ બિલ્ડિંગના પણ એમઓયુ થશે. આ સમિટનો ઉદ્દેશ શહેરોની લિવેબિલિટી (રહેવાની યોગ્યતા)માં વધારો કરતી સંસ્થાઓના 15 પેનલિસ્ટ સહિત લગભગ 800 વૈશ્વિક સહભાગીઓ સાથે શહેરો અને ઇનોવેટર્સ માટે તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલાં આર્થિક અને વ્યાપારી તકોને એક્સપ્લોર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનો છે.
શહેરી વિભાગના સૂત્રોના કહેવા મુજબ વિશ્વની અડધાથી વધુ વસતી શહેરોમાં રહે છે અને હજુ પણ શહેરીકરણ વધી રહ્યું છે અને 2050 સુધીમાં શહેરોની વસતી બે તૃતીયાંશ સુધી પહોંચશે. જે રીતે શહેરોમાં વસતી વધી રહી છે તે જોતા ગુજરાત વ્યૂહાત્મક રીતે શહેરી આયોજન અને ડિઝાઇન, કાર્યક્ષમ કચરાના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને અને ગ્રીન સ્પેસની સ્થાપના સાથે શહેરી વિકાસ માટે સતત ટકાઉ મોડલને સક્રિયપણે અપનાવી રહ્યું છે. ગિફટ સિટી અને ડ્રીમ સિટી જેવી એનું ઉદાહરણ છે.