અમદાવાદઃ રાજ્યમાં જામનગર અને પોરબંદર જિલ્લા બાદ હવે ઝાલાવાડના કેટલાક વિસ્તારોમાં પણ પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળતા વેટનરી વિભાગના તબીબો દોડી ગયા છે. ઝાલાવાડના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ અને તેની આજુબાજુના ગામોના પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં લમ્પી વાયરસને કારણે સાત જેટલા પશુઓના મોત નિપજ્યા છે. તેથી પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પશુ તબીબો દ્વારા ઘેર ઘેર ફરીને સર્વે કરાવવામાં આવી રહ્યો છે. અને જે પશુઓને લમ્પી વાયરસની અસર હોય તેવા પશુઓને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ અને આસપાસ વિસ્તારમાં થોડા દિવસથી પશુઓમાં લમ્પી વાઈરસ જોવા મળી રહ્યો છે. આ વાઈરસને કારણે પાંચ ગાય અને બે ખૂંટના મોત થયા હતા. જેને કારણે પશુપાલકો પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા મૃતક પશુઓના સેમ્પલ લઇને જે અસરગ્રસ્ત પશુઓ છે તેને અલગથી આઇસોલેટેડ કરવાની કામગીરી શરૂ કરી હતી.
સુત્રોએ ઉમેર્યુ હતું કે, ધ્રાંગધ્રાના કોંઢ, રતનપર, કલ્યાણપુર, રામપરા સહિતના આસપાસના ગામોમાં ગાયોમા લમ્પી વાઈરસ જોવા મળ્યો હતો. ત્યારે આ વાઈરસને લીધે ગાયોને શરીર પર મોટા ફોડલા પડી જાય છે, શરીર ગરમ રહે છે અને તાવ આવે છે દુધ ઓછુ થઈ જાય છે. ત્યારે આ વાયરસના કારણે પશુપાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ રોગ માનવોમાં ફેલાતો નથી. ધ્રાંગધ્રાના કોંઢ ગામે પશુઓના મૃત્યુ થયા અંગે જાણ થતા હાલ પશુ ડોક્ટરોની ટીમ મોકલી છે. મૃત પશુઓના સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલાયા છે. અસરગ્રસ્ત પશુઓને આઇસોલેટેડ કરવામાં આવી રહ્યા છે, અને જરૂર જણાયે રસીકરણ પણ કરવામાં આવશે.એવું પશુપાલન અધિકારીએ કહ્યું હતું.