અમદાવાદ : રાજ્યમાં સાતમ-આઠમ એટલે કે જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામે ગામ લોકમેળાઓ યોજાતા હોય છે. હવે સાતમ-આઠમના પર્વને માત્ર ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે આજે સોમવારથી સપ્તાહભર રજાનો માહોલ રહેશે. આજે સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટની જાહેર રજા છે. એટલે રવિવારે ઘણાબધા પરિવારો પોતાના માદરે વતન જવા રવાના થઈ ગયા છે. છઠ્ઠના દિવસથી અલગ અલગ બજારોમાં રજા જાહેર કરવામાં આવી છે. જન્માષ્ટમી સાથે 15 ઓગસ્ટની રજા પણ ભળી જતા ચારથી સાત દિવસનું લોકોને મીની વેકેશન મળી ગયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનાના 31 દિવસોમાંથી 12થી 13 દિવસ જેટલી રજાઓ કેટલાક માર્કેટ યાર્ડોમાં અગાઉથી જ જાહેર કરવામાં આવી છે. આજે સોમવારથી રજાઓનો નવો રાઉન્ડ શરૂ થશે. એ એક સપ્તાહનો હશે. સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડે 14 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી રજાઓ જાહેર કરી દીધી છે જેના કારણે હવે 22મીથી જ બજારો વ્યવસ્થિત પણે શરૂ થશે. રાજકોટના મુખ્ય બેડી માર્કેટ યાર્ડમાં 15થી 21 ઓગસ્ટ સુધી રજા છે. શાકભાજી વિભાગમાં 18થી 21 સુધી હરાજી થવાની નથી. બટાટા વિભાગમાં 19થી 21, ડુંગળી વિભાગમાં 18થી 21 અને ઘાસચારા વિભાગમાં 19થી 20 ઓગસ્ટ સુધી રજા રાખવામાં આવી છે. ગોંડલ યાર્ડ પણ સોમવારથી રવિવાર સુધી બંધ રહેશે. એ રીતે જેતપુર, ધોરાજી, જામજોધપુર, કોડીનાર, કાલાવડ, વાંકાનેર, સાવરકુંડલા, અમરેલી, પોરબંદર, વેરાવળ, હળવદ, જામનગર, મહુવા, વિસાવદર, જસદણ સહિતના માર્કેટ યાર્ડોમાં રજા રહેવાની છે. સરકારી કચેરીઓમાં પણ ઘણા કર્મચારીઓ રજા લઈ લીધી છે.
રાજકોટની અલગ અલગ બજારોએ પણ બંધની જાહેરાત કરી છે. સોની બજાર, ગુંદાવાડી, દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ, પેલેસ રોડ, કોઠારીયા નાકા જેવી બજારોએ રજા જાહેર કરી દીધી છે. રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશન અને જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશનના કહેવા પ્રમાણે સોની બજાર 18 થી 21 સુધી બજાર બંધ રાખવામાં આવશે. રાજકોટની દાણાપીઠ, પરાબજારના વેપારીઓ તા. 18થી 20 બંધ રાખવાના છે. શનિવારે બજાર ખૂલશે તો પણ ઘરાકી દેખાવાની નથી. કારણકે આ વર્ષે વેપારીઓમાં હરવા ફરવાનો જબરજસ્ત ક્રેઝ છે. કોઠારીયા નાકા ભૂપેન્દ્ર રોડ, પેલેસ રોડ, કલોથ મરચન્ટ એસોસીએશનના વેપારીઓએ આઠમના દિવસ તા.19થી 22 સુધી અગિયારસ દરમિયાન બજારોની તમામ દુકાનો બંધ રાખવાનું નક્કી કર્યું છે. ચાર દિવસ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. ધર્મેન્દ્ર રોડ પર કપડાંના વેપારીઓ ગુરુવારથી રવિવાર સુધી બંધ પાળશે. રેડીમેઇડના વેપારીઓ ગુરૂવાર સુધી વેપાર કરશે. એ પછી 19થી 22 રજા રહેશે. રેડીમેડમાં આ વર્ષે ઘરાકી સારી છે એટલે આસપાસના ગામોની ઘરાકી છેવટ સુધી રહેશે એવું લાગતા બજાર ગુરૂવાર સાતમ સુધી ખૂલ્લી રહેવાની છે. ગુંદાવાડીમાં પણ રેડીમેડ માર્કેટ મોટાંપાયે છે એટલે કેટલાક વેપારીઓ ગુરુવારથી તો કેટલાક બુધવારથી ધંધા પ્રમાણે બંધ રાખવાના છે.
આ ઉપરાંત ઉદ્યોગોમાં મંગળવારથી રવિવાર સુધી મોટેભાગે રજા રાખવામાં આવી છે. જેમની પાસે ઓર્ડર છે ત્યાં કામકાજ ચાલુ રહેશે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં 18થી 22મી સુધી રજા રહેવાની છે. અલબત્ત શહેરભરમાં ફેલાયેલા રમકડાંના વેપારીઓ રજા રાખવાના મૂડમાં નથી. બધી દુકાનો ખૂલ્લી રહેશે કારણકે રમકડાંના મોટાંભાગના વેપારીઓ લોકમેળાના સ્થળની આસપાસ છવાયેલા છે.