નવી દિલ્હીઃ નેપાળમાં ભૂસ્ખલનને કારણે 7 લોકોના મૃત્યુ થયા છે. આ ભૂસ્ખલન ભારે વરસાદને કારણે આવ્યું હતું. તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. નેપાળમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 34 પર પહોંચી ગયો છે. પશ્ચિમ નેપાળમાં સતત બે વાર ભૂસ્ખલન થયું છે.ભૂસ્ખલનમાં સાત લોકોના મૃત્યુ થયા હતા. ગુલમી જિલ્લાના મલિકા ગ્રામીણ નગરપાલિકામાં ભૂસ્ખલનમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ થયા હતા.
નગરપાલિકાના અધ્યક્ષ દેવી રામ આર્યાલે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે અને તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ પ્રવક્તા ઇન્દ્ર બહાદુર રાણાના જણાવ્યા અનુસાર,સ્યાંગજા જિલ્લાના ફેદીખોલા ગ્રામીણ નગરપાલિકામાં ભૂસ્ખલનમાં એક માતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત નેપાળમાં દરરોજ માર્ગ અકસ્માતો થતા રહે છે. આ પહેલા દક્ષિણ નેપાળમાં માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં બે ભારતીયોના મૃત્યુ થયા હતા. ભારતીયો બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રહેવાસી હતા. જેમાંથી એકનું નામ તમન્ના શેખ (ઉ.વ. 35) અને બીજું ઈરફાન આલમ (ઉ.વ. 21) હતું. નેપાળ પોલીસે આ માહિતી આપી હતી.