પાલનપુરઃ બનાસકાંઠામાં શ્રમિકો માટે સાત જેટલા ભોજન કેન્દ્રો શરૂ કરાયા છે. અને શુક્રવારે ભોજન કેન્દ્રોના ઉદઘાટન સમારોહ યોજાયા હતા. જેમાં થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્ય સરકાર અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, થરાદમાં શ્રમિકો માટે બે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 7 ભોજન કેન્દ્રો શરૂ કરાયા છે. અન્ન દાન એ મહાદાન છે” એ વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે શ્રમિકો માટે ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે. ધન તેરસના દિવસે થરાદમાં ઐતિહાસિક કામ શરૂ કર્યુ છે. થરાદમાં પોલીસ સ્ટેશન નજીક વર્ષો જુના રસ્તાના પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. આ મહિનામાં થરાદના વિકાસ માટે રૂ. 8 કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે. અધ્યક્ષએ થરાદ શિવનગરની હાથ વણાટની કલાનો વિકાસની નેમ વ્યક્ત કરતા કહ્યું કે શિવનગરની બહેનો દ્વારા કરવામાં આવતા ભરત-ગુંથણની કલાનો વિકાસ કરવો છે. આ કલાના વિશ્વવ્યાપી વિકાસ માટે ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિનું સ્વાગત થરાદની બહેનોએ બનાવેલી સાડીથી કરવામાં આવ્યું હતું એવી જ રીતે તાજેતરમાં અંબાજી ખાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત પણ થરાદની બહેનોએ બનાવેલા ખેસથી કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષ ચૌધરીએ જણાવ્યું કે થરાદ તાલુકાને કુપોષણ મુક્ત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અભિયાન ઉપાડ્યું છે. બીડી, દારૂ, સિગારેટ કોઈપણ પ્રકારનું વ્યસન માણસની પ્રગતિને અવરોધે છે, ત્યારે તેનાથી દૂર રહી પરમાત્માએ આપેલા આ મહામૂલા દેહનું જતન કરી તેને સાચવીએ તથા નવા વર્ષે વ્યસનોને તિલાંજલિ આપવા સંકલ્પબદ્ધ બનીએ. થરાદમાં નજીકનાં સમયમાં લાયબ્રેરી શરૂ કરવામાં આવશે તથા આવનારા ડિસેમ્બર મહિનામાં નર્મદાના નીરથી ગામના તળાવો ભરવાનું પણ આયોજન છે.
રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે યોજાયો હતો. શુક્રવારે ધન તેરસના દિને બનાસકાંઠા જિલ્લામાં કુલ- 7 બુથ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં થરાદ ખાતે બળીયા હનુમાન ચોક અને આંબેડકર ચોક, પાલનપુર ખાતે કોઝી કડીયાનાકા અને મીરાગેટ બહાર, કાણોદર ગામમાં, ડીસા ખાતે સરદાર બાગ અને હવાઇ સ્તંભ ખાતે શ્રમિકો માટે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.