નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં એક મિની બસમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં અન્ય 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો.
પોલીસ પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે, વિસ્ફોટ શહેરના પશ્ચિમ ભાગમાં દશ્તી બરચી વિસ્તારમાં થયો હતો. ઝદરાને કહ્યું કે, વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ ઈસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા સંગઠનોએ ભૂતકાળમાં આ પ્રદેશમાં શિયા શાળાઓ, હોસ્પિટલો અને મસ્જિદોને નિશાન બનાવી છે.
ઓક્ટોબરના અંતમાં, આતંકવાદી જૂથે દશ્તી બરચીમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને લગભગ સાત અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઓગસ્ટ 2021માં તાલિબાન સત્તામાં આવ્યા ત્યારથી ઇસ્લામિક સ્ટેટ સતત હુમલાઓ કરી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી તત્વો સક્રિય થયાં છે અને આતંકવાદી હુમલાને અંજામ આપીને નિર્દોશ વ્યક્તિઓની હત્યા કરી રહ્યાં છે. દુનિયાના મોટાભાગના દેશો આતંકવાદને નાથવા માટે સાથે મળી કામ કરી રહ્યાં છે. ભારત સરકારે પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પો મામલે યુએન સહિતના વિવિધ મંચ ઉપર મુદ્દો ઉઠાવ્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી કેમ્પ ધમધમતા હોવાનું સામે આવ્યું છે.