નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર ટ્રેક અકસ્માતની ઘટના સર્જાઈ છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનાની જાણ થતા રેલવની બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, અને બચાવ કામગીરી આરંભી હતી. આ દૂર્ઘટનામાં 25થી વધારે મુસાફરોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ જિલ્લાના ફાંસીદેવામાં રેલ દુર્ઘટના સર્જાઈ છે. કાંચનજંગા એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનને પાછળથી આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કાંચનજંગા એક્સપ્રેસના ડબ્બા માલગાડી પર ચઢી ગયા હતા. રંગાપાની રેલવે સ્ટેશન પર આ દુર્ઘટના સર્જાઈ છે. માલગાડીના મોટા ભાગના ડબ્બા રેલવેટ્રેક પરથી ખડી પડ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકો તેમજ ઘાયલોની જાણકારી મેળવવા માટે સ્થાનીય વહીવટીતંત્રએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર ટવીટ કરીને આ દુર્ઘટનાને દુર્ગાભ્યપૂર્ણ ગણાવી છે. તેમણે ટવીટમાં જણાવ્યુ છે કે ઘટનાસ્થળે રેલવેના ડિવિઝનલ મેનેજર, એસપી, ડોક્ટરો, એમ્બ્યુલન્સ સહિતના લોકો પહોંચી ગયા છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરુ કરાઈ છે. બચાવ કામગીરી માટે NDRF અને SDRF યુદ્ધના ધોરણે કામે લાગી ગયા હોવાનું પણ રેલમંત્રીએ જણાવ્યુ છે.