દિલ્હીઃ એક ટુ-વ્હીર ઉપર સામાન્ય રીતે બે વ્યક્તિઓ મુસાફરી કરી શકે છે. જો કે, ઘણીવાર દંપતિ અને તેમના બે સંતાનો વાહન ઉપર પ્રવાસ કરતા જોવા મળે છે. જો કે, ઉત્તરપ્રદેશમાં એક બાઈક ઉપર બે કે ત્રણ નહીં પરંતુ સાત વ્યક્તિ મુસાફરી કરતા હોવાનું સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. એટલું જ નહીં ઉત્તરપ્રદેશ પોલીસે સોશિયલ મીડિયામાં આ ફોટો શેર કરીને લખ્યું છે કે, દંડથી નહીં તો કમસે કમ યમરાજથી તો ડરો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં બાઇક પર સાત લોકોને જોઇને પોલીસ પણ ચોંકી ગઇ હતી. હવે યુપી પોલીસ તરફથી આ બાઇક સવારનો ફોટો શેયર કરીને લોકોને જાગૃત કરી રહી છે. આ તસવીર તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરતા યુપી પોલીસે લખ્યું, “દંડથી નહીં પણ યમરાજથી તો ડરો.’ પોલીસે શેર કરેલી તસવીરમાં વ્યક્તિએ બાઈક પર એક યુવાને મહિલા ઉપરાંત 5 બાળકોને બેસાડ્યાં હતા.એટલું જ નહીં, ચાલકે હેલ્મટ પણ પહેર્યું નથી. બાઈકને અટકાવીને સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓએ હાથ જોડ્યાં હતા. આ તસવીર એટા જિલ્લાના માયા પેલેસ ચોકની છે. ત્યાં પોલીસ કર્મચારીએ બાઈક પર સાત લોકોને સવાર જોયા. જ્યારે બાઈક રોકવામાં આવી ત્યારે વ્યક્તિએ કહ્યું કે તે હોસ્પિટલ ગયો હતો અને હવે તેના પરિવાર સાથે પાછો આવી રહ્યો છે. પોલીસે વ્યક્તિને દંડ ફટકાર્યો અને સાથે જ તેને ટ્રાફિકના નિયમો વિશે સમજાવ્યું.