રાજકોટમાં વાહનો પર પોલીસનું લખાણ દુર ન કરતા સાત પોલીસ કર્મચારીઓને ક્વાટર્સ ખાલી કરવા આદેશ
રાજકોટઃ રાજ્યમાં ઘણાબધા પોલીસ કર્મચારીઓ પ્રજામાં વટ પાડવા માટે પોતાના વાહનો પર પોલીસ લખાવતા હોય છે. અથવા કારના બોનેટ પર પોલીસ લખેલા બોર્ડ મુકતા હોય છે. રાજ્યના પોલીસ વડાએ ખાનગી વાહનો પર પોલીસ લખેલા બોર્ડ કે લખાણ દુર કરવા તમામ પોલીસ કર્મચારીઓને સુચના આપી હતી. દરમિયાન રાજકોટ શહેરના નવ નિયુક્ત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે તમામ અધિકારી અને સ્ટાફને વાહનોમાંથી પોલીસના લોગો કે વાહનમાં પોલીસનું બોર્ડ રાખવાની મનાઇ ફરમાવી હતી. એક સપ્તાહ સુધી ઝુંબેશ ચાલુ રાખ્યા બાદ જે કોઇ પોલીસના વાહનોમાં પોલીસ લખેલું કે પોલીસનો લોગો દેખાશે તો તેમને હેડકવાર્ટરમાંથી લાઇન આઉટ એટલે કે કવાર્ટર ખાલી કરી દેવાશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. છતાં કેટલાક પોલીસ સ્ટાફે બોર્ડ નહી કાઢતા આવા સાત કર્મચારીને કમિશ્નરના નિયમનું પાલન ન કરવા અને શિસ્તભંગ બદલ દિવસ-7માં કવાર્ટર ખાલી કરી દેવાની નોટીસ ફટકારતા પોલીસ બેડામાં ભારે ફફડાટ ફેલાયો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળતાની સાથે જ આકરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. પોલીસ સ્ટાફ પોતાના વાહનમાં નંબર પ્લેટ રાખતા નથી, કાર પર કાળા કાચ રાખે છે અને આગળ પાછળ પોલીસ લખેલા બોર્ડ તેમજ પોલીસના લોગો રાખીને ફરે છે. માત્ર સ્ટાફ જ નહી પરંતુ તેમના પરિવારના સભ્યો પણ પોલીસ લખેલા વાહનો ફેરવતા હોવાથી પ્રજામાં પોલીસની ખરાબ અસર પડતી હોય છે. આથી પોલીસ કમિશનરે ટ્રાફિક શાખાના એસીપીને સૂચના આપતા હેડ કવાર્ટર અને કમિશ્નર કચેરી ખાતે ચેકીંગ કરાવી નંબર પ્લેટ વગરના, કાળા કાચવાળા તેમજ પોલીસ લખેલા વાહનો ડીટેઇન કરાવી દંડ ફટકાર્યા હતા. આ કાર્યવાહી પછી શહેરના તમામ પોલીસ અધિકારી સ્ટાફને તેમના વાહનમાંથી પોલીસના બોર્ડ અને લોગો કાઢી નાંખવા તેમજ કાળા કાચ કાઢી નંબર પ્લેટ ફીટ કરાવી નિયમ મુજબ વાહન રાખવાની સૂચના આપવામાં આવી હતી.
આ સુચનાનો ભંગ કરનારા સામે શિક્ષાત્મક પગલા ઉપરાંત હેડ કવાર્ટરમાં રહેતા હોય તેવા કર્મચારીઓને લાઇન આઉટ કરી દેવાશે તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી. પોલીસ કમિશ્નરની ચેતવણી પછી પણ કેટલાક કર્મચારીઓએ પોલીસના બોર્ડ કાઢયા ન હતા અને નંબર પ્લેટ પણ નાંખી ન હતી અને ગાડીઓમાં કાળા કાચ યથાવત રાખ્યા હતા. તાજેતરમાં આ મુદ્દે કરાયેલા ચેકીંગમાં હેડકવાર્ટરમાં રહેતા ટ્રાફિક શાખાના જવાન સહિત શહેરના કુલ ચાર પોલીસ કર્મચારી તેમજ જિલ્લાના ત્રણ પોલીસ કર્મચારીના વાહનમાં પોલીસના બોર્ડ અને સ્ટીકર જોવા મળતાં તમામને હેડકવાર્ટરના પીઆઇ કોટડીયા દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસમાં જે-તે સ્ટાફને તેમના વાહન નંબરને તાકીને પોલીસના બોર્ડ, લખાણ કે સ્ટીકર ન કાઢી ઉપરી અધિકારીના હુકમનો અનાદર અને શિસ્ત ભંગનો આરોપ મૂકી જમા કરાવી દેવા સૂચના આપવામાં આવી છે અને જો સમય મર્યાદામાં કવાર્ટર જમા કરાવવામાં નહી આવે તો કવાર્ટરનો અનધિકૃત કબ્જો ગણી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.(file photo)