Site icon Revoi.in

વડોદરાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે લાખોના ખર્ચે વસાવેલા સાત રોબર્ટ ધૂળ ખાય છે

Social Share

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની હોસ્પિટલ દર્દીઓની હાઉસફુલ થઈ રહી છે. આઠ મહિના પહેલા વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે રૂ. 50 લાખના ખર્ચે 7 રોબોટ ખરીદવામાં આવ્યા હતા. જે છેલ્લા કેટલાક વખતથી ‘કોરોનાગ્રસ્ત’ થઇ ગયા છે. 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ આ 7 રોબર્ટનો ઉપયોગ થતો ન હોવાથી હાલ ધૂળ ખાઇ રહ્યા છે.

શહેરની સયાજી હોસ્પિટલમાં ત્રણ અને ગોત્રી હોસ્પિટલમાં ચાર મળી આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલાં કોરોનાના દર્દીઓની સારસંભાળ રાખવા સાત રોબોટ લાવવામાં આવ્યાં હતા. આ રોબોટ સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડમાં દર્દીઓ માટે દવા લઇ જવાનું કામ કરતા હતા. ખાનગી કંપની દ્વારા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સી.એસ.આર. ફંડ હેઠળ આ સાત રોબોટ આપવામાં આવ્યાં હતા. કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને દવા આપવી તેમજ જમવાનું આપવા સહિતના અનેક કામો કરતા આ સાત રોબર્ટ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાનાં દર્દીઓ તેમજ તેમની સાથે આવતા પરિવારજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. આવનારા દિવસોમાં વધુ રોબોટ મૂકવામાં આવશે તેવી જાહેરાત પણ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી હતી.

શહેરની ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં રૂપિયા 50 લાખના ખર્ચે ખરીદવામાં આવેલા 7 રોબોટ પણ હાલમાં કોરોનાગ્રસ્ત થઇ ગયા છે. શરૂઆતના એકાદ મહિના સુધી રોબર્ટ સરકારી દવાખાનામાં કાર્યરત હતા, તે પછી છેલ્લા સાત મહિનાથી બંધ હાલતમાં ધૂળ ખાતા પડ્યા છે. આ રોબોટ અંગે સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ. ઓ.બી.બેલીમે જણાવ્યું હતું કે, હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં બે રોબોટ સહિત હોસ્પિટલના અન્ય વિભાગમાં રોબોટ મૂકવામાં આવ્યા હતા, પરંતુ, રોબોટ કરતા વધુ ઝડપે માણસ કામ કરતા હોવાથી રોબોટ ઉપયોગમાં લેવામાં આવતા નથી.