ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ચાલુ શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસક્રમો લાગુ કરવા સામે અનેક પડકારો અને સમસ્યાઓ ઊભી થઈ છે. ખાસ તો અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન તૈયાર કરવાનું થશે યુનિ.માં નવી શિક્ષણ નીતિ અમલ થાય એટલે અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન તૈયાર કરવું પડશે ઉપરાંત યુનિ. સંલગ્ન કોલેજોના અધ્યાપકો માટે તાલીમ આપવી પડશે. તે પડકારરૂપ કાર્ય બની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનોમાં નવી શિક્ષણનીતિ મુજબ અભ્યાસક્રમો અમલમાં આવશે. જેથી અનેક વિસંગતતા સર્જાવવાની શક્યતા છે. યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન તૈયાર કરવું પડશે. આ ઉપરાંત મલ્ટી ડિસીપ્લિનરી અભ્યાસક્રમો માટેનું અલગથી માળખું તૈયાર કરવું પડશે. વિદ્યાર્થીઓ માટે કોમન પ્લેટ ફોર્મ પાડવું પડશે. ક્રેડિટ ફ્રેઇમ વર્કને ધ્યાને રાખી પરીક્ષા, મૂલ્યાંકન વિગેરે માટેના ઓર્ડિનન્સ, જોગવાઇઓ ઉભી કરવી પડશે. યુનિ. સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ચાલતા કેટલાક અભ્યાસક્રમો સંદર્ભે નિયમોની અને અમલીકરણની ખરાઇ માટે મોનીટરિંગ જરૂર બનશે. યોગ તથા ઇન્ડિયન નોલેજ સિસ્ટમને ભણાવી શકે તેવા તજજ્ઞોની યાદી બનાવવી પડશે. યુનિ.માં એક વ્યક્તિ-એક હોદ્દાને અનુસરવું પડશે. હાલ યુનિ.માં કોલેજના કેટલાક અધ્યાપકો ભણાવવાને બદલે યુની.માં એક યા બીજા કારણે પડ્યા પાથર્યા રહે છે તેઓને તેમની કોલેજોમાં પરત મોકલવા પડશે. યુનિ.ની ત્રણેય કોલેજો સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, શામળદાસ આર્ટસ કોલેજ અને એમ.જે.કોલેજ ઓફ કોમર્સમાં લાંબાસમયથી બાકી છે તે પૂર્ણ સમયના આચાર્યની ભરતી કરવી પડશે તથા વિઝીટીંગ અધ્યપાકોમાં નિયમાનુસાર ભરતી કરવી પડશે.