નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. અજાણ્યા શખ્સોએ ઈમેલ મારફતે કેટલાક મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ બાદ કંઈ નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીમાં ફરી એકવાર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ વખતે એક સાથે 10-15 મ્યુઝિયમને મેઈલ મોકલવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ મેલ અનેક મ્યુઝિયમમાં એક સાથે આવ્યા હતા. તેમાં રેલવે મ્યુઝિયમનો પણ સામાવેશ થાય છે. દિલ્હી પોલીસને આ મેઇલ્સની માહિતી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના અંતે કંઈ વાંધાજનક નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ આરંભી છે. આ ઉપરાંત ચંદીગઢના સેક્ટર 32 સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મેન્ટલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ પણ મળ્યો હતો. પોલીસે હોસ્પિટલને ખાલી કરાવી હતી. તાજેતરમાં જ દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને એરપોર્ટ પર પણ આવા જ મેઈલ આવ્યા હતા, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મેઈલ કોણે મોકલ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી એરપોર્ટ પર ઈ-મેલ મોકલીને ટોરોન્ટો જતી એર કેનેડાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપવા બદલ 13 વર્ષના એક છોકરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, કિશોરે આ ધમકીભર્યો ઈ-મેલ ‘મજા માટે’ મોકલ્યો હતો, જેથી જાણી શકાય કે તેઓ તેને પકડી શકશે કે નહીં. પકડાયા બાદ કિશોરીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.