દિલ્હી:દેશના લગભગ તમામ રાજ્યોમાં તાપમાન ઘટી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.આ સિવાય આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય ભારતના ઘણા રાજ્યોના લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.આ સાથે પૂર્વ ભારતના રાજ્યોમાં પણ તાપમાનમાં ઘટાડો થશે.
દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે.ગુરુવારની સવાર આ સિઝનની સૌથી ઠંડી સવારમાં નોંધાઈ હતી.જો આજની 16 ડિસેમ્બરની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાશે.આજે દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે.જો કે આવતીકાલે એટલે કે 17મી ડિસેમ્બરે દિલ્હીમાં ધુમ્મસ જોવા મળી શકે છે.
જો પ્રદૂષણની વાત કરીએ તો દિલ્હીને ઘણી રાહત મળી છે.હવામાં સુધારા સાથે AQI મધ્યમ શ્રેણીમાં પહોંચી ગયો છે.ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ દિલ્હીના ITO વિસ્તારમાં AQI 106 નોંધવામાં આવ્યું હતું.આ સિવાય IGI એરપોર્ટ વિસ્તારમાં AQI 140 રહ્યો.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 16 થી 18 ડિસેમ્બર સુધી પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું મોજું લોકોને પરેશાન કરી શકે છે.હિમાચલ પ્રદેશના શિમલામાં આજે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે.તે જ સમયે, મનાલીમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર,આજે આંદામાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.તે જ સમયે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.દક્ષિણ ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં હળવો વરસાદ થઈ શકે છે