નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગો માટે ઓરેન્જ કોલ્ડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં હાડ થિજાવતી ઠંડી પડવાની સંભાવના છે. આ સિવાય વિભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં બે દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ ગંભીર થી ગંભીર ઠંડીની સ્થિતિ યથાવત રહી શકે છે. ત્યાર બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 રાજ્યોમાં ધુમ્મસની સ્થિતિ યથાવત છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ઓડિશાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વોત્તરમાં આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.
હિમાચલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. મંગળવારે રાજ્યભરમાં અને બુધવારે મધ્ય અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. 11 અને 12 જાન્યુઆરીએ હવામાન ફરી સ્વચ્છ અને તડકો રહેશે. રાજ્યના મેદાની વિસ્તારોમાં ધુમ્મસના કારણે અત્યંત ઠંડી છે. સવાર-સાંજ બજારોમાં નીરવ શાંતિ જોવા મળે છે.
પંજાબના અમૃતસરમાં કડકડતી ઠંડીથી રાહત મળી નથી. ગત રાત્રે પણ અહીં તાપમાન 5.8 ડિગ્રી રહ્યું હતું. લુધિયાણા, પટિયાલા, પઠાણકોટ, ભટિંડા, ફરીદકોટ અને ગુરદાસપુરમાં પણ લઘુત્તમ તાપમાન 6-9 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. કડકડતી ઠંડીને જોતા પંજાબ સરકારે રાજ્યમાં ધોરણ 10 સુધીની તમામ શાળાઓને 14 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હરિયાણાના ભિવાનીમાં સૌથી ઓછું તાપમાન 6.7 ડિગ્રી હતું. જ્યારે અંબાલા, નારનૌલ, હિસાર અને કરનાલમાં તાપમાન 7-9 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજસ્થાનના સીકરમાં લઘુત્તમ તાપમાન 2.0 ડિગ્રી પર આવી ગયું.