પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમીની આગાહી, રાજસ્થાનમાં પારો 45 ડિગ્રીને પાર થવાની શક્યતા
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. બિહાર, પંજાબ, હરિયાણામાં આકરી ગરમી પડી શકે છે તેમજ આજે રાજસ્થાનમાં તાપમાન 45 ડિગ્રીને આંબે તેવી પણ શકયતા છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં કેટલાક તમિલનાડું, કર્ણાટક સહિતના રાજ્યોમાં તેમજ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 22 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીના પ્રકોપ જોવા મળ્યો હતો. 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. મહત્તમ તાપમાનની વાત કરીએ તો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ માટે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળશે.
હિટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ 30 થી40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવવાની શક્યતા દર્શાવી છે.