Site icon Revoi.in

મુળી તાલુકાના 10 ગામોમાં તંત્રના વાંકે પીવાના પાણીની વિકટ સમસ્યા,

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મૂળી તાલુકાના ખાખરાળા, વગડીયા, ધોળીયા, ખંપાળીયા, પલાસા, ગઢડા,આસુન્દ્રાળી, કુંતલપુર સહિતનાં 10થી વધારે ગામોમાં તંત્રના વાંકે ગ્રામજનોને પાણી મળતું નથી. નર્મદા વિભાગની કામગીરી  રામભરોસે ચાલતી હોય તેમ સરકારી દફતરે 39 ગામોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યારે  વાસ્તવમાં 27 ગામોમાં જ પાણી નર્મદાનું પહોંચતું હોવાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે.મૂળી તાલુકામાં અનેક ગામો આજેપણ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યા છે. જેમાં પીવાનાં પાણીની સમસ્યા મહત્વની છે. જયારે નર્મદા વિભાગ દ્વારા ગામડે ગામડે નર્મદાનું પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ હકિકત જુદી જ જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના  મૂળી તાલુકાનાં 39 ગામોમાં નર્મદાનું પાણી પહોંચતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.પરંતુ વાસ્તવિકતા કાંઇક જુદી જોવા મળી હતી. જેમાં મૂળીનાં ખાખરાળા, વગડીયા, ધોળીયા, ખંપાળીયા, પલાસા, ગઢડા,આસુન્દ્રાળી, કુંતલપુર સહિતનાં 10થી વધારે ગામોમાં આજે પણ નર્મદાનું પાણી મળતું ન હોવાથી લોકોને ક્ષારયુકત અને ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. જે ગામોમાં નર્મદાનું પાણી અપાતું નથી તે ગામોને પાણી અપાય રહ્યાના જુટ્ઠા દાવા કેમ કરવામાં આવી રહ્યા છે. જયારે તંત્ર વધારે ગામો દેખાડી શું સાબિત કરવા માગે છે તે સમજાતુ નથી. અને લોકોને પાણી માટે રીતસરનો રઝળપાટ કરવો પડે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી મૂળીનાં ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. આ અંગે ખાખરાળા ગામના લોકોએ જણાવ્યું હતું કે અમારા ગામમાં અનેક વખત નર્મદાનું પાણી આપવા માટે રજુઆત કરવામાં આવી છે. તેમ છતા હજુ સુધી પાણી ન મળતા ભારે હાલાકી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા પાણી આપવામાં આવે તેવી અમારી માગ છે. (file photo)