પાકિસ્તાનમાં લેમિનેશન પેપરની ભારે અછત, પાસપોર્ટ છપાવાની કામગીરી અટકી
દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં લેમિનેશન પેપરની ભારે અછત ઉભી છે. જેનો ઉપયોગ પાકિસ્તાની પાસપોર્ટમાં થાય છે. આ કાગળ સામાન્ય રીતે ફ્રાન્સથી આયાત કરવામાં આવે છે. આયાતી લેમિનેશન પેપરની અછતને કારણે પાકિસ્તાનમાં પાસપોર્ટની પ્રિન્ટીંગની કામગીરી અટકી હોવાનું જાણવા મળે છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેના કારણે પાસપોર્ટની પ્રિન્ટિંગમાં ઘટાડો થયો છે. જેના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પેશાવરમાં પાસપોર્ટ ઑફિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ હાલમાં દરરોજ માત્ર 12 થી 13 પાસપોર્ટ બનાવી શકે છે, જ્યારે અગાઉ દરરોજ 3,000 થી 4,000 પાસપોર્ટ બનાવાતા હતા. લોકોને પાસપોર્ટ માટે કેટલાક મહિનાઓ સુધી રાહ જોવી પડી શકે છે.
જો કે, પાકિસ્તાન ઓબ્ઝર્વર પોર્ટલે ગૃહ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, પાકિસ્તાને લેમિનેશન પેપરનો ઓર્ડર આપ્યો છે અને તેઓને એક સપ્તાહમાં ઓર્ડર મળી જશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રાદેશિક કચેરીઓને રોજના ધોરણે પાસપોર્ટના નવીકરણ અથવા જારી કરવા માટે 25,000 જેટલી અરજીઓ મળી રહી છે, પરંતુ દેશમાં લેમિનેશન પેપરની અછતને કારણે બેકલોગ હવે વધી ગયો છે.