રાજકોટઃ ગુજરાતમાં કરચોરી કરનારા ઉદ્યોગો સામે જીએસટી, એસજીએસટીના દરોડા પાડવામાં આવતા હોય છે. કેટલાક ઉદ્યોગકારો ટેક્સચોરી માટે અવનવી તરકીબો પણ અપનાવતા હોય છે. રાજકોટમાં એસજીએસટી દ્વારા કર ચોરી કરતાં યુનિટો પર ફરી એક વખત દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષના અંતે જાણીતા બાર્સના મેન્યુફેકચરર પર સકંજો કસ્યા બાદ ફરી એક વખત બાર્સ ઉત્પાદક તથા કિચન વેર યુનિટો પર દરોડા પડતાં કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. શાપર, મેટોડા અને વાવડીમાં આવેલા યુનિટો પર દરોડાની કાર્યવાહી દરમિયાન 68 લાખની કરચોરી ઝડપાઈ હોવાનું જીણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં એસજીએસટી દ્વારા શાપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા બ્રાસના ઉત્પાદક યુનિટ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા કાર્યવાહી દરમિયાન દસ્તાવેજો સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. જેની ચકાસણી દરમિયાન 36 લાખની કરચોરી ઝડપાઇ હતી અને તેમાંથી આઠ લાખની રિકવરી કરવામાં આવી હતી. આ ઉપરાંત મેટોડામાં આવેલા એક ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગના યુનિટ પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી 20 લાખની ચોરી ઝડપાઈ હતી અને તેમાંથી 10 લાખની રિકવરી કરવામાં આવી હતી. જ્યારે વાવડીમાં આવેલા એક કિચનવેરના ઉત્પાદકને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન 12 લાખની કરચોરી ઝડપાઇ હતી. આ ત્રણેય યુનિટોમાં સર્ચ ઓપરેશન પછી હજુ પણ વધુ કરચોરો ઝડપાય તેવી શકયતા છે. અત્રે મહત્વનું છે કે ગયા વર્ષે નવેમ્બર માસમાં પણ એક જાણીતા બાર્સના ઉત્પાદકને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી રકમની કરચોરી ઝડપાઈ હતી. એસજીએસટીના દરોડાથી ઉત્પાદકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.