Site icon Revoi.in

સંદેશખાલી પ્રકરણના આરોપી શાહજહાં શેખે 180 વીધા જમીન ઉપર કર્યો હતો કબજો

Social Share

કોલકતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જમીન કૌભાંડમાં શેખ શાહજહાં અને તેના ભાઈ આલમગીર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. શાહજહાં અને તેના ભાઈ ઉપરાંત તેના સહયોગી શિવ પ્રસાદ હઝરા અને દિદાર બક્ષ મૌલાના નામ પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા છે. તાજેતરમાં તેમની લગભગ 14 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં આરોપીઓએ રૂ. 288 કરોડનો ગુનો આચર્યાનું તપાસમાં ખૂલ્યું છે.

EDએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાંએ સંદેશખાલી અને તેની આસપાસની 180 વીઘા જમીન પર કબજો કરીને 261 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 113 પાનાની ચાર્જશીટમાં શાહજહાંના ભાઈ શેખ આલમગીર અને તેના સહયોગીઓ દિદાર બક્ષ મૌલા અને શિવ પ્રસાદ હજરાના નામ પણ સામેલ છે. આ ચારેય મળીને સંદેશખાલીની આસપાસની જમીનો કબજે કરી લોકોને ધમકીઓ પણ આપી હતી. ચાર્જશીટમાં સીબીઆઈના દરોડા પછી સંદેશખાલીમાંથી મળી આવેલા હથિયારોનો પણ ઉલ્લેખ છે.

ઇડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “ઇડીએ કેસની તપાસ સંભાળ્યાના 56 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જમીન પચાવી પાડવા અને ખંડણીના આરોપોની તપાસની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. અપરાધની આવક અંદાજિત રૂ. 261 કરોડમાંથી રૂ. 27 કરોડ જપ્ત કરવામાં ED સફળ રહી છે.

EDએ માર્ચમાં શેખ શાહજહાંની ધરપકડ કરી હતી, ત્યારબાદ તે ન્યાયિક કસ્ટડીમાં છે. તેના ભાઈ આલમગીર પર આરોપ છે કે જ્યારે ઈડીની ટીમ 5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં દરોડા પાડવા પહોંચી ત્યારે તેની સૂચના પર હુમલો કરવામાં આવ્યો હતો. તે આ કેસમાં મુખ્ય આરોપી છે. આ કેસમાં સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. સંદેશખાલીમાં એક મહિલા પર કથિત બળાત્કારની ફરિયાદ બાદ રાજ્ય પોલીસે ફેબ્રુઆરીમાં શિવ પ્રસાદ અને તેના સહયોગી ઉત્તમ સરદારની ધરપકડ કરી હતી.