Site icon Revoi.in

શાહીનબાગ ડ્રગ્સ પ્રકરણઃ હવાલા મારફતે વિદેશ નાણા મોકલતા શખ્સની ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ શાહીન બાગ ડ્રગ્સ પ્રકરણમાં નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ ઉંડાણપૂર્વકની તપાસ આરંભીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા કમર કસી છે. દરમિયાન આ કેસમાં મુખ્ય સુત્રધાર મનાતા વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. હવાલા રેકેટમાં સંડોવાયેલો આ શખસની પૂર્વ દિલ્હીમાંથી ધરપકડ કરાઈ છે. આરોપીના દુબઈ અને અન્ય દેશોમાં પણ સંપર્ક હોવાનું ખૂલ્યું છે. આરોપી હેરોઈનથી મળતા નાણા હવાલા મારફતે વિદેશ મોકલતો હતો તેમજ દુબઈમાં બેઠેલા શાહિદના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શાહિનબાગ ડ્રગ્સ કેસમાં પકડાયેલા ચાર આરોપીઓની તપાસમાં શમીમ નામની વ્યક્તિની સંડોવણી ખુલી હતી. આરોપી હવાલા મારફતે ડ્રગ્સનું વેચાણના નાણા વિદેશ મોકલતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે. તેની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. એનસીબીએ તાજેતરમાં દિલ્હીના  જામિયાનગર વિસ્તારના શાહીનબાગમાં રેડ પાડીને 50 કિલો હેરોઈન અને 47 કિલો શંકાસ્પદ ડ્રગ્સ ઝડપી લીધું હતું. આ ઉપરાંત રૂ. 30 લાખની રોકડ તથા પૈસા ગણવાનું મશીન પણ જપ્ત કરાયું હતું. હેરોઈન અફઘાનિસ્તાનથી આવ્યું હોવાનું ખૂલ્યું હતું. આ ડ્રગ્સ દરિયાઈ અને જમીની બોર્ડરથી ઘુસાડવામાં આવ્યાનું ખૂલ્યું હતું. એનસીબીએ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના રેકેટના નેટવર્કને તોડી પાડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ગણતરીના દિવસોમાં જ દેશના વિવિધ રાજ્યોમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે.