અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે નિમાયેલા રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ આજે રવિવારે અમદાવાદમાં સાબરમતિ ગાંધી આશ્રમથી કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય સુધી પદયાત્રા કરશે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાશે. પદયાત્રા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળશે. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પણ તમામ કાર્યકરોને પદયાત્રામાં જોડાવવાની અપીલ કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડે તેવી શક્યતા છે.
નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના જે વિસ્તારોમાં વાવાઝોડાની ગંભીર અસર હોય અને જ્યાં કોંગ્રેસ કાર્યકરને લોકહિતમાં કામમાં રહેવું જરૂરી હોય કાર્યકરો ત્યાં જ રોકાઈ રહે અને બાકીના વિસ્તારમાંથી કાર્યકર્તા, મિત્રો તથા શુભચિંતકો તારીખ 18 જુન, 2023ને રવિવારના રોજ સવારે 10 કલાકે ગાંધી આશ્રમ, સાબરમતી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ભજન, પ્રાર્થના અને ત્યાર બાદ ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રામાં જોડાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી વાવઝોડાની મોટી આફત ટળી છે. છેલ્લા ત્રણ દિવસથી અમો સૌથી વધુ પ્રભાવિત કચ્છ વિસ્તારમાં છીએ. અહી કોંગ્રેસના કાર્યકરો કોઈ પણ ભેદભાવ વગર માનવતાના કામ કરી રહ્યાં છીએ અને હવે જ્યારે મોટી આફત ટળી છે અને કોઈ જાનહાની થઈ નથી ત્યારે ભજન અને પદયાત્રાનો કાર્યક્રમ યથાવત રખાયો છે. આપણા ગુજરાત ઉપરથી મોટી આફત ટળી તેનો અત્યંત આનંદ છે. ઈશ્વરની કૃપાથી ગુજરાત પર જે અત્યંત વિકરાળ વાવાઝોડાની સંભાવના હતી તેમાંથી કુદરતે કોઈ જાનહાની વગર ગુજરાતને ઉગારેલ છે. સંભાવના વ્યક્ત થઈ હતી કે અત્યંત વિકરાળ વાવાઝોડું આવશે, પરંતુ ધીમે ધીમે તે સિવિયર સાયક્લોનમાં ફેરવાયું, તેની ઝડપ ઘટી, જેથી જાનહાની ટળી છે.